બોલીવૂડ સ્ટાર અને કોરોના લોકડાઉન દરમિયાન ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને મદદ કરીને જાણીતા થયેલા સોનુ સૂદની બહેન માલવિકા સૂદ મંગળવારે કોંગ્રેસમાં જોડાયા હતા. પંજાબ વિધાનસભાની ચૂંટણી અગાઉ માલવિકા કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણી માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 10 માર્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે.
સોનુ સૂદે કહ્યું હતું કે તે પોતાની બહેનનું સમર્થન કરે છે. નોંધનીય છે કે ગત વર્ષે નવેમ્બરમાં સોનુ સૂદે જાહેરાત કરી હતી કે તેની બહેન ચૂંટણી લડશે પરંતુ કયા પક્ષ તરફથી લડશે તે અંગે તેણે કોઈ ખુલાસો કર્યો ન હતો. પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ આને ગેમ ચેન્જર વાત ગણવી છે. માલવિકાએ સૂદે જણાવ્યું હતું કે, તે લોકોની સેવા કરવા માટે રાજકારણમાં આવી રહ્યા છે. માલવિકા સૂદ પંજાબના મુખ્યપ્રધાન ચરનજીત સિંહ ચન્ની અને સિદ્ધુની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. સિદ્ધુએ જણાવ્યું હતું કે, આ ઘણી અનોખી વાત છે કે પાર્ટી પ્રમુખ અને મુખ્યપ્રધાને કોઈના ઘરે જઈને તેને પાર્ટીમાં સામેલ કર્યા છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પંજાબમાં બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. કોંગ્રેસે અકાલી દળ-ભાજપ સરકારના 10 વર્ષના શાસનનો અંત લાવ્યો હતો અને સત્તા મેળવી હતી. આમ આદમી પાર્ટીએ 20 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને તે બીજા ક્રમે રહી હતી. જ્યારે શિરોમણી અકાલી દળને ફક્ત 15 અને ભાજપને ફક્ત ત્રણ જ બેઠકો મળી હતી.