કોરોના મહામારી દરમિયાન અનેક અજાણ્યા લોકોને મદદ કરીને સોનુ સૂદે અનોખી લોક ચાહના મળી છે. તેણે કરેલા સેવાકાર્યો માટે તેને વિવિધ અને જુદા પ્રકારના સન્માન મળ્યા છે. લોકોએ તેને મસીહાનું ઉપનામ પણ આપ્યું હતું. તેને ભલે ફિલ્મોમાં લોકપ્રિયતા નથી મળી પરંતુ પરંતુ પોતાના સદકાર્યોને કારણે ઘરઘરના પરિવારોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. સોનૂએ તાજેતરમાં જ પોતાનો 48મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ જ દિવસે તેને એક ખાસ ભેટ મળી છે, જેના દ્વારા તેની સફળતામાં વધુ એક છોગુ ઉમેરાયું છે.
સોનૂ સૂદને સ્પેશિયલ ઓલ્મપિક મૂવમેન્ટનો બ્રાન્ડ એમ્બ્સેડર બનાવામાં આવ્યો છે. આ અંગે તેણે જણાવ્યું હતું કે, મારો આજનો દિવસ મારા માટે બહુ જ સારા સમાચાર અને સમ્માન લઇને આવ્યો છે. આજથી હું વિશેષ ઓલમ્પિક યાત્રામાં ભારત સાથે જોડાયો છું જેનો મને બહુ આનંદ અને ગર્વ છે. મને મળેલા આ કામ અને સમ્માનને લીધે હું પોતાને નસીબદાર માનું છું. હું આ મંચને આગળ વધારવા માટે અને દેશવાસીઓ સાથે પ્રતિનિધિત્વ કરવાનું વચન આપું છું.
સોનૂ સૂદને સપ્ટેમ્બર ૨૦૨૦ના એસડીજી સ્પેશિયલ હ્યુમેનિટેરિયન એકશન એવોર્ડ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોર્ગામ દ્વારા આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ તેને કોવિડ-૧૯ દરમિયાન તેના સેવા કાર્યો માટે આપવામાં આવ્યો.
કોરોના મહામારી દરમિયાન તેણે જુહુની હોટલ પણ કોવિડના દરદીઓને રાખવા આપી હતી. એક સામાન્ય અભિનેતાએ પોતાના સદકાર્યથી આજે દેશના દરેક લોકોના દિલમાં સ્થાન જમાવી દીધું છે. તેને લોકો વાસ્તવિક હીરો તરીકે નવાજવા લાગ્યા છે. તે આજે પણ પોતાનાથી તમામ શક્ય મદદ લોકોને કરવામાં સક્રિય છે.