નેશનલ હેરાલ્ડ વર્તમાનપત્ર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બુધવાર 1જૂને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. રાહુલ ગાંધીએ ઇડી સમક્ષ 2 જૂને અને સોનિયા ગાંધીએ 8 જૂને હાજર થવાનું રહેશે.
ઇડીને સમન્સને પગલે મોટો રાજકીય વિવાદ થયો હતો. કોંગ્રેસે મોદી સરકારની ટીકા કરતાં જણાવ્યું હતું કે તે રાજકીય, આર્થિક અને કાનૂની જંગ છે. ગાંધી પરિવારે છુપાવવા લાયક કંઇ નથી. કોંગ્રેસના સાંસદ મનુ સિંઘવીએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર રાજકીય કિન્નાખોરીથી પગલાં લઈ રહી છે અને કેન્દ્રીય તપાસ સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે.
ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારે નાણાકીય ગેરરીતિ આચરી અંગત લાભ ઉઠાવ્યો હોવાની ફરિયાદ કરી છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે. નેશનલ હેરાલ્ડ નામના અખબારની સ્થાપના પંડિત જવાહરલાલ નેહરૂ અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ વર્ષ 1938માં કરી હતી. આ અખબારનું પ્રકાશન એસોસિએટેડ જર્નલ્સ લીમીટેડ દ્વારા કરવામાં આવતું હતું અને આઝાદી પછી તે કોંગ્રેસનું મુખપત્ર હતું.
રાહુલ ગાંધીએ યંગ ઇન્ડિયા લીમીટેડ નામની કંપનીની સ્થાપના કોંગ્રેસના જનરલ સેક્રેટરી પદે હતા ત્યારે વર્ષ 2010માં કરી હતી. રાહુલ અને સોનિયા ગાંધી પાસે આ કંપનીનો 76 ટકા હિસ્સો છે જયારે બાકીના 24 ટકા શેર મોતીલાલ વોરા પાસે છે. સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ અનુસાર યંગ ઇન્ડિયાએ નેશનલ હેરાલ્ડની રૂ. 2,000 કરોડના મૂલ્યની સંપત્તિ ખરીદી લીધી હતી. આટલી સંપત્તિ ખરીદવા માટે નેશનલ હેરાલ્ડને માત્ર રૂ. 50 લાખ ચુકવવામાં આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ અગાઉ એસોસિએટેડ જર્નલ્સને આપેલી અખબાર ચલવવા માટેની રૂ. 90.25 કરોડની લોન પણ પરત મેળવવાની આ સોદામાં જોગવાઈ છે. સ્વામીની અરજી ઉપરથી એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટે વર્ષ 2014માં તપાસ શરૂ કરી હતી અને વર્ષ 2015માં એક કેસ નોંધવામાં આવ્યો હતો.