કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને શનિવારે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ફરીથી ચૂંટવામાં આવ્યા હતાં. પાર્ટીના સાંસદોની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંસદીય દળના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીના નામની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને ગૌરવ ગોગોઈ, કે સુધાકરણ અને તારિક અનવરે સમર્થન આપ્યું હતું.
કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે બેઠક પછી જણાવ્યું હતું કે ખડગેએ આજની બેઠક દરમિયાન CPPના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીની નિમણૂકનો પ્રસ્તાવ મૂક્યો હતો. અમે સર્વસંમતિથી તેમને CPPના અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે. હવે સીપીપી અધ્યક્ષે લોકસભાના વિપક્ષના નેતા વિશે નિર્ણય લેવાનો છે,
સંસદના સેન્ટ્રલ હોલમાં નવા ચૂંટાયેલા સાંસદોને સંબોધતા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના પરિણામો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય અને નૈતિક હાર છે. મોદી હવે નેતૃત્વનો નૈતિક અધિકાર ગુમાવ્યો છે. વડાપ્રધાને તેમના પક્ષ અને સાથી પક્ષોને બાકાત રાખવા માટે ફક્ત તેમના નામ પર જનાદેશ માંગ્યો હતો, પરંતુ તેમને રાજકીય અને નૈતિક હારનો સામનો કરવો પડ્યો છે. આમ છતાં નિષ્ફળતાની જવાબદારી સ્વીકારવાની જગ્યાએ તેઓ આવતીકાલે ફરીથી શપથ લેવા માંગે છે. તેમની શાસનની શૈલીમાં ફેરફાર થાય તેવી અમને અપક્ષા નથી. તેથી જ CPPના સભ્યો તરીકે આપણે મોદી અને નવી NDA સરકારને જવાબદાર ઠેરવવા માટે સાવચેત, જાગ્રત અને સક્રિય રહેવું પડશે. હવે છેલ્લાં એક દાયકાની જેમ સંસદને તેઓ બાનમાં લઈ શકશે નહીં.