સોમવારે, 24 ઓગસ્ટે શ્રીમતી સોનિયા ગાંધીના અધ્યક્ષપદે કોંગ્રેસ વર્કિંગ કમિટીની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. સાત કલાક સુધી ચાલેલી બેઠક પછી સોનિયા ગાંધીને જ પ્રમુખ તરીકે કાર્યરત રાખવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો. ગયા સપ્તાહે પક્ષના 23 જેટલા સિનિયર નેતાઓએ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરતો પત્ર લખ્યો તે પછી સોનિયા ગાંધીએ નવા પ્રમુખની વરણી કરવાનો પ્રસ્તાવ મૂકીને રાજીનામાની પેશકશ કરી હતી.
કોંગ્રેસના 23 જેટલા સિનિયર નેતાઓએ પત્ર લખીને કાર્યકારી પ્રમુખને બદલે પાર્ટીના કાયમી અને સક્રિય પ્રમુખ નિમવાની રજૂઆત કરી હતી. તે પછી એક્ટિંગ પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીએ નવા પ્રમુખની વરણી કરવાનો પ્રસ્તાવ મૂકીને રાજીનામાની પેશકશ કરી હતી. નેતૃત્વ પરિવર્તનની માગણી કરતા પત્ર પછી કોંગ્રેસની વર્કિંગ કમિટીની વર્ચ્યુઅલ બેઠક મળી હતી.
સાત કલાક સુધી ચાલેલી વર્કિંગ કમિટીની બેઠકમાં સોનિયા ગાંધીને જ પ્રમુખ તરીકે યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો. ગાંધી પરિવારના નજીકના નેતાઓએ આ પત્ર અંગે નારાજગી વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ પણ પત્રના ટાઈમિંગ બાબતે સવાલો ઉઠાવ્યા હતા.
સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો થયો હતો કે રાહુલ ગાંધીએ સવાલો ઉઠાવતા કહ્યું હતું કે જ્યારે સોનિયા ગાંધી હોસ્પિટલમાં હતા ત્યારે જ કેમ પત્ર લખાયો? આ મુદ્દે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ચર્ચા થવી જોઈએ કે મીડિયામાં? એવો સવાલ પણ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કર્યો હતો.
બેઠક શરૂ થઈ ત્યારે સોનિયા ગાંધીએ સભ્યોને કહ્યું હતું કે પક્ષના નવા અધ્યક્ષની નિમણૂક કરીને તેમને જવાબદારીમાંથી મુક્ત કરો. પરંતુ સભ્યોએ સોનિયા ગાંધીને પદ પર બન્યા રહેવાની વિનંતી કરી હતી.
પૂર્વ પીએમ મનમોહન સિંહ, સિનિયર નેતા એકે એન્ટની સહિતના સિનિયર નેતાઓએ સોનિયા ગાંધીને પ્રમુખ તરીકે સક્રિય રહેવા ભારપૂર્વક જણાવ્યું હતું.
કોંગ્રેસના નજીકના સૂત્રોને ટાંકીને કહેવાયું હતું કે જે નેતાઓએ નેતૃત્વ પરિવર્તનની માગણી કરતો પત્ર લખ્યો હતો એમાંથી ઘણાં સિનિયર નેતાઓએ કોંગ્રેસ વર્કિંગ કમિટીના બેઠકમાં તેનાથી તદ્ન અલગ મત રજૂ કરીને કહ્યું હતું કે તેમને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં પૂરો ભરોસો છે.