નેશનલ હેરાલ્ડ વર્તમાનપત્ર કેસ સંબંધિત મની લોન્ડરિંગ મામલામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની બુધવાર, (27 જુલાઇ)એ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ વધુ એક વાર પૂછપરછ કરી હતી. સોનિયા ગાંધીને બીજા દિવસે આશરે 3 કલાક સુધી સવાલ પૂછવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ ત્રણ દિવસ દરમિયાન આશરે 12 કલાકમાં સોનિયાને 100 થી વધુ સવાલ પૂછ્યા હતા. અગાઉ ઇડીએ 26 જુલાઈએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આશરે છ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ ઉપરાંત 21 જુલાઈએ પણ બે કલાક સુધી પૂછપરછ કરાઈ હતી અને તેમણે 28 પ્રશ્નોના જવાબ આપ્યા હતા. મંગળવારે તેમને નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપરની કામગીરી, વિવિધ હોદ્દેદારો તથા તેમાં રાહુલ ગાંધીની ભાગીદારી અંગેના પ્રશ્નો પૂછાયા હતા. કોગ્રેસે પ્રમોટ કરેલી યંગ ઇન્ડિયા કંપનીમાં કથિત નાણાકીય ગેરરીતિ અંગે પણ સોનિયા ગાંધીને સવાલ કરાયા હતા.
બુધવારે સોનિયા ગાંધી આશરે 3 કલાકની પૂછપરછ બાદ ED ઓફિસમાંથી નીકળી ગયા હતા. અહેવાલ પ્રમાણે તપાસ એજન્સી જરૂર પડ્યા પર સમન્સ જારી કરી શકે છે. 3 દિવસ દરમિયાન તપાસ એજન્સીએ સોનિયાને મહત્વપૂર્ણ સવાલ પૂછી લીધા હતા. બીજી તરફ રાહુલને 5 દિવસ દરમિયાન EDએ 150 સવાલ પૂછ્યા હતા.
સોનિયા ગાંધીની પૂછપરછનો વિરોધ કરી રહેલા કોંગ્રેસી નેતા અને કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધી દેખાવો કર્યા હતા. પોલીસે અનેક નેતાઓને પોલાસે કસ્ટડીમાં લીધા હતા. બીજી તરફ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કહ્યું હતું કે, તેમણે રાહુલ ગાંધીને 5 દિવસ સુધી બોલાવ્યા અને હવે સોનિયા ગાંધીને ત્રીજી વખત બોલાવ્યા છે.. EDએ દેશમાં આતંક ફેલાવ્યો છે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ પણ કોંગ્રેસ પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, ગાંધી પરિવાર પોતાને કાયદાથી પણ ઉપર સમજે છે.તેમણે કાનુનને જવાબ આપવો જોઈએ અને નિયમોનું પાલન કરવું જોઈએ.