નેશનલ હેરાલ્ડ વર્તમાન કેસ સંબંધિત મની લોન્ડરિંગ મામલામાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મંગળવારે બીજી વખત સોનિયા ગાંધીની પૂછપરછ ચાલુ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ પૂછપરછ માટે હાજરી આપવા માટે નવી દિલ્હીમાં EDની ઓફિસે પહોંચ્યા હતા. રાહુલ-પ્રિયંકા પણ તેમની સાથે હતા. આ પહેલા 21 જુલાઈના રોજ EDએ સોનિયા ગાંધીની આશરે 3 કલાક પૂછપરછ કરી હતી. EDએ આશરે 50 પ્રશ્નોની યાદી બનાવી હતી.
આ તરફ સોનિયા ગાંધીની પૂછપરછના વિરોધમાં કોંગ્રેસે દિલ્હીમાં દેશના વિવિધ ભાગોમાં વિરોધી દેખાવો કર્યા હતા. કોંગ્રેસના વિરોધને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હેડક્વાર્ટર અને 10 જનપથની બહાર સુરક્ષા દળોના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના મહાસચિવ અજય માકને આક્ષેપ કર્યો હતો કે દિલ્હી પોલીસ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને રાજઘાટ જવાની પણ મંજૂરી આપી રહી નથી.
પોલીસે રાહુલ ગાંધી ઉપરાંત સાંસદ રંજીત રંજન, કેસી વેણુગોપાલ, મણિકમ ટાગોર, ઈમરાન પ્રતાપગઢી અને કે. સુરેશને કસ્ટડીમાં લીધા હતા. રાજસ્થાન, છત્તીસગઢ સહીત અનેક રાજ્યોમાં પણ કોંગ્રેસ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો હતો. દિલ્હી પોલીસે રાજઘાટ પર કોંગ્રેસને વિરોધ કરવાની મંજૂરી આપી ન હતી અને આ વિસ્તારમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. કોંગ્રેસના સાંસદોએ જણાવ્યું હતું કે વિરોધી દેખાવને પણ મંજૂરી ન આપવી એ આપણા લોકતાંત્રિક અધિકારોનું ઉલ્લંઘન છે.
કસ્ટડીમાં લેતા પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસના સાંસદો અહીં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા પર ચર્ચા કરવા માટે ભેગા થઈ રહ્યા છે. પોલીસ અમને અહીં બેસવા દેતી નથી. અમને સંસદમાં બોલવા દેતી નથી અને અહીં અમારી ધરપકડ કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓને કસ્ટડીમાં લઈને કિંગ્સવે પોલીસ કેમ્પમાં રાખવામાં આવ્યા છે.