ભારતમાં કોરોના મહામારીના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે જણાવ્યું હતું કે દેશની સિસ્ટમ નહીં, પણ મોદી સરકાર નિષ્ફળ થઇ છે. સોનિયા ગાંધીએ કોરોનાના મુદ્દે તાકીદે સર્વપક્ષીય બેઠક બોલાવવાની પણ માગણી કરી હતી.
સોનિયા ગાંધીએ કોંગ્રેસ સંસદીય દળની વર્ચ્યુઅલ બેઠકમાં કહ્યું હતું કે, મોદી ચૂંટણી જીતવામાં વ્યસ્ત રહ્યાં હતા અને તમામ ચેતવણીઓને અવગણવામાં આવી હતી. મનમોહન સિંહ, રાહુલ ગાંધી દ્વારા મોદીને લખવામાં આવેલા પત્રોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, સરકારે તેની પર કોઇ સાર્થક પ્રતિક્રિયા આપી નથી. આ ‘સરકાર વિરુદ્ધ અમે’ની લડાઇ નથી, પરંતુ ‘આપણે વિરુદ્ધ કોરોના’ની લડાઇ છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ સ્થાયી સમિતિઓની બેઠકોની માંગ કરે છે. આ સંકટનો સામનો કરવા માટે સક્ષમ, શાંત અને વિઝનરી નેતૃત્વની જરૂર હોય છે.
મોદી સરકારની ઉદાસીનતા અને અક્ષમતાને લીધે રાષ્ટ્ર ડૂબી રહ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, આ આપણી માટે પોતાને એકઠા કરવા અને પોતાના લોકોની સેવામાં ફરી સમર્પિત કરવાનો સમય છે. વેક્સિન અંગે તેમણે કહ્યું કે, બજેટ ૨૦૨૧માં તમામને મફ્ત રસી માટે ૩૫,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવા છતાં મોદી સરકારે ત્રીજા તબક્કામાં રસીની ખરીદી માટે રાજ્ય સરકારોને ભારે દબાણમાં રાખી હતી.