(ANI Photo)

બોલિવૂડ સ્ટાર અને ફેશન દિવા સોનમ કપૂરની કારકિર્દીને યશરાજ ફિલ્મ્સ ટેલેન્ટ દ્વારા મેનેજ કરવામાં આવશે. રાની મુખરજી, અનુષ્કા શર્મા, રણવીર સિંહ, આયુષ્માન ખુરાના, ભૂમિ પેડણેકર જેવા કલાકારોને મેનેજ કરનારી આ કંપનીએ સોનમને સ્થાનિક અને વૈશ્વિક કક્ષાએ બ્રાન્ડ બનાવવાની જવાબદારી લીધી છે. જેની શરૂઆતમાં યશરાજ ફિલ્મ્સ દ્વારા સોનમના કમબેક માટે બે પ્રોજેક્ટ્સ પ્લાન કરવામાં આવ્યા છે.

યશરાજ ફિલ્મ્સે લોન્ચ કર્યા હાય તેવા સ્ટાર્સ સાથે જ તેમની ટેલેન્ટ કંપની કરાર કરતી હોય છે. સોનમ એવી પ્રથમ અભિનેત્રી છે, જેને યશરાજ ફિલ્મ્સે લોન્ચ ન કરી હોવા છતાં તેની સાથે કરાર કરવામાં આવ્યા છે. સોનમના કમબેક માટે યશરાજે તૈયાર કરેલા બે પ્રોજેક્ટ્સ અંગેની માહિતી હજુ જાહેર થઈ નથી. સોનમનો માસૂમ ચહેરો અને ફેશન સેન્સના કારણે દરેક પેઢીના ઓડિયન્સને તે પસંદ છે. દિલ્હીના બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન બાદ સોનમે નવા પ્રોજેક્ટ્સ હાથ પર લીધા ન હતા. ઓગસ્ટ 2022માં દીકરા વાયુના જન્મ પછી સોનમે કારકિર્દીની બીજી ઈનિંગ ઘડવાની તૈયારી શરૂ કરી છે.

બીજી ઈનિંગમાં યશરાજ ફિલ્મ્સ દ્વારા સોનમ માટે ફિલ્મોની પસંદગીથી લઇને ગ્લોબલ ફેશન-લક્ઝરી બ્રાન્ડ્સ માટે એન્ડોર્સમેન્ટના પ્રયાસ કરવામાં આવશે. સોનમને બ્રાન્ડ તરીકે ગ્લોબલી સ્થાપિત કરવાની વ્યૂહરચના યશરાજ ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવશે, જેના ભાગરૂપે સોનમ ફિલ્મોમાં કમબેક કરવા ઇચ્છે છે.

LEAVE A REPLY