અભિનેત્રી સોનમ કપૂર સાચા અર્થમાં ફેશન આઇકોન છે. જ્યારે પણ તે શહેરની બહાર જાય છે અથવા તો કોઇ ઇવેન્ટમાં જાય ત્યારે પોતાનાં ફેશનેબલ લૂકથી તે ચાહકો અને મીડિયામાં છવાઇ જાય છે. સોનમ બોલીવૂડની એવી અભિનેત્રી છે જેણે ફિલ્મ ઉદ્યોગમાં સ્ટાઇલ અને ફેશનની વ્યાખ્યા બદલી નાખી છે. લીજેન્ડરી ફેશન ડિઝાઇનર ક્રિસ્ટિયન ડિઓર સાથે નજીકનાં સંબંધો ધરાવતી ગ્લોબલ ફેશન આઇકન સોનમને પેરિસ ફેશન વીક ખાતે ડિઓરનાં ઓટમ-વિન્ટર શોમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. એક પુત્રની માતા સોનમે તાજેતરમાં આ ભવ્ય ઇવેન્ટમાં હાજરી આપી હતી.
પશ્ચિમી દેશોમાં ભારતની કલ્ચરલ એમ્બેસેડર બનેલી સોનમ માટે રસપ્રદ વાત એ છે કે આ આઇકોનિક શોમાં આમંત્રણ મળ્યું હોય તેવી ભારતની એક માત્ર સેલિબ્રિટી છે. તે ફેશનવીકમાં ડિયોરનાં ઓટમ-વિન્ટર 2023-24 હાઉટ કોચર કલેક્શનને માણશે. અગાઉ રાલ્ફ એન્ડ રુસ્સો માટે શો સ્ટોપર તરીકે પેરિસ ફેશન વીકમાં ભાગ લેનાર સોનમ પેરિસની ઇવેન્ટમાં મોટી હસ્તીઓ સાથે જોડાશે. રસપ્રદ વાત એ છે કે 1962 પછી ભારતમાં ડિઓર દ્વારા માર્ચ 2023માં મુંબઇનાં ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે આયોજિત પ્રથમ શોમાં પણ સોનમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, અનન્યા પાંડે, અર્જુન કપૂર સહિતની સેલિબ્રિટીસ ઉપસ્થિત રહી હતી. સોનમે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ડિયોરના આમંત્રણની ઝાંખી પણ રજૂ કરી હતી.
સોનમની ફિલ્મ બ્લાઇન્ડ તાજેતરમાં રજૂ થઇ છે, જેમાં પૂરબ કોહલી, વિનય પાઠક અને લિલિયેટ દુબે પણ છે. પુત્ર વાયુનાં જન્મ પછી આ તેની પ્રથમ ફિલ્મ છે, જે 7 જુલાઇનાં રોજ રિલીઝ થઇ છે.