શત્રુઘ્ન સિંહાની અભિનેત્રી પુત્રી સોનાક્ષી સિંહા કારકિર્દીની શરૂઆતમાં બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવવામાં સફળ રહી હતી. પરંતુ હવે તેના ચાહકો-દર્શકો પર તેનો જાદુ ઓસરી રહ્યો હોય તેવું લાગે છે. આમ પણ તે દર્શકોનું મનોરંજન કરવામાં નિષ્ફળ ગઇ છે. હવે તેની કારકિર્દીને લઇને એક નવા સમાચાર મળી રહ્યા છે કે, તે હવે ટૂંક સમયમાં સાઉથ ઇન્ડિયાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરવાની છે. કહેવાય છે કે સોનાક્ષી સિંહા તેલુગુ ભાષાની ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવશે. સોનાક્ષીએ હજુ સુધી આ ફિલ્મ સાઇન કરી નથી.
તે આ ફિલ્મ સાઇન કરે પછી જ ફિલ્મસર્જક સત્તાવાર રીતે જાહેરાત કરશે. સોનાક્ષી તેલુગુ ફિલ્મમાં અભિનેતા મંદમુરી બાલકૃષ્ણના સાથે ડેબ્યુ કરી રહી છે. ફિલ્મ એનબીકે ૧૦૮માં તે મુખ્ય રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનિલ રવિપુડી કરશે. જોકે, સોનાક્ષી અત્યારે સંજય લીલા ભણશાલીની વેબ સીરીઝ હીરામંડીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ પ્રોજેક્ટ પુરો થયા પછી જ સોનાક્ષી બીજો પ્રોજેક્ટ શરૂ કરશે.
અગાઉ પણ સોનાક્ષીએ બાલકૃષ્ણ સાથે કામ કરવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ કેટલાક ચોક્કસ વિવાદોને કારણે તે અંતિમ ક્ષણે ફિલ્મમાંથી નીકળી ગઇ હતી. આ તેલુગુ ફિલ્મ માટે હુમા કુરેશી અને ત્રિશાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ નિર્માતા-દિગ્દર્શકે અંતે તો સોનાક્ષીની પસંદગી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોનાક્ષી સિંહાએ સલમાન ખાન સાથે ફિલ્મ દબંગથી પોતની કારકિર્દીની શરૂઆત કરી હતી. સોશિયલ મીડિયા પર તે સક્રિય છે અને તેના ચાહકોની સંખ્યા ઘણી છે.