બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેના એક્ટર બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23 જૂને મુંબઈમાં પ્રભુતામાં પગલાં માંડશે તેવું મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. સોનાક્ષીએ લગ્ન અંગેનો સંકેત કપિલ શર્માના કોમેડા શોમાં આપ્યો હતો. સોનાક્ષી અને ઝહીર છેલ્લા 4-5 વર્ષોથી એકબીજાને ડેટ કરતાં હતાં તેમજ તે બંને ઘણી પાર્ટીમાં સાથે ફરતાં જોવા મળતાં હતાં. સોશિયલ મીડિયા પર બંને હંમેશા એકબીજાને મિત્રો ગણાવતાં રહ્યાં હતાં. તાજેતરમાં જ સોનાક્ષીના જન્મદિવસ પર પણ ઝહીરે અભિનેત્રી સાથેના ઘણા ક્યૂટ ફોટા શેર કર્યા હતા.
કેટલાંક અહેવાલો મુજબ આ લગ્નમાં ફક્ત તેમનાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે.
સોનાક્ષીની તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘હીરામંડી’ની સ્ટારકાસ્ટને પણ આ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. શિલ્પા શેટ્ટીની મુંબઈ ખાતેની એક હોટેલમાં આ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. બાદમાં એક મોટું રિસેપ્શન રાખવામાં આવશે, જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને આમંત્રણ અપાશે.
36 વર્ષીય ઝહીર ઈકબાલે 2019માં સલમાન ખાન પ્રોડક્શનની ફિલ્મ ‘નોટબુક’થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે 2022માં સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી સ્ટારર ‘ડબલ એક્સએલ’માં જોવા મળ્યો હતો. ઝહીરના પિતા ઈકબાલ રત્નાસી પણ સલમાન ખાનના નજીકના મિત્ર છે. ઝહીરને લોન્ચ કરવામાં સલમાને પણ મદદ કરી હતી. સોનાક્ષીને પણ 2010માં સલમાન ખાને ‘દબંગ’ ફિલ્મથી લોંચ કરી હતી.
સોનાક્ષી અને ઝહીર લાંબા સમયથી જાહેરમાં સાથે દેખાતા હતા, પરંતુ પોતાના સંબંધોનો સ્વીકાર કરતા ન હતા. કેટલાક અનુમાનો મુજબ, શત્રુઘ્નસિંહા આ સંબંધને સ્વીકારવા તૈયાર ન હતા. વર્ષો સુધી રાહ જોયા બાદ આખરે શત્રુઘ્નએ લીલી ઝંડી આપી હતી, જેથી લગ્નની તારીખ નક્કી કરવામાં આવી છે.