અભિનેત્રી સોનાક્ષી સિંહાએ તેની સામેના બિનજામીનપાત્ર ધરપકડ વોરંટના અહેવાલને ‘બદમાશ વ્યક્તિ’નું કૃત્ય ગણાવીને નકારી કાઢ્યા છે. 34 વર્ષની એક્ટ્રેસ 2019ના એક ફ્રોડ કેસની આરોપી છે. જોકે સોનાક્ષીએ મંગળવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આ કેસ મુરાદાબાદ કોર્ટમાં છે અને તેની સામે અલ્હાબાદ હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. સોનાક્ષીએ આક્ષેપ કર્યો હતો કે કથિત વોરંટના ફેક ન્યૂઝ ખંડણી પબ્લિસિટીનો પ્રયાસ છે. સોનાક્ષી સિંહા સામે કોઇ વોરંટ જારી થયું નથી અને એક્ટ્રેસની લિગલ ટીમ કોર્ટના તિરસ્કારનો કેસ કરશે.
અગાઉ મીડિયામાં એવા અહેવાલ આવ્યા હતા કે સોનાક્ષી સિંહા સામે ફ્રોડ કેસમાં બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ થયું છે. દિલ્હી ખાતે સોનાક્ષીએ ઈન્ડિયા ફેશન એન્ડ બ્યૂટી એવોર્ડસમાં હાજરી આપવા માટે રૂ.37 લાખનો ચાર્જ નક્કી કર્યો હતો. સોનાક્ષી હાજર નહીં રહેતા આયોજક પ્રમોદ શર્માએ આ રકમ પાછી માગી હતી. 30 સપ્ટેમ્બર, 2019ના રોજ આ ઈવેન્ટ યોજાવાની હતી. સોનાક્ષીના મેનેજરે નાણાં પરત આપવા ઈનકાર કર્યો હોવાથી મોરાદાબાદના કાટઘર પોલીસ સ્ટેશનમાં પ્રમોદ શર્માએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કેસ નોંધાયા બાદ સોનાક્ષી પોતાનું નિવેદન આપવા મોરાદાબાદ પોલીસ સ્ટેશન ગઈ હતી. જો કે કોર્ટ કેસ દરમિયાન તે સતત ગેરહાજર રહેતા મોરાદાબાદની કોર્ટે બિન જામીનપાત્ર ધરપકડ વોરંટ ઈશ્યૂ કર્યું છે અને 25 એપ્રિલે સુનાવણી રાખી છે.