શત્રુઘ્ન સિંહાની પુત્રી સોનાક્ષી બોલીવૂડમાં સ્પષ્ટ વક્તા તરીકે જાણીતી છે. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર કિડસ પ્રત્યેની સતત ચર્ચા અને પ્રશ્રોનો ઉત્તર આપીને આઉટસાઇડર્સ પર નિશાન સાધ્યું છે.
તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે, સ્ટાર કિડસને પણ ફિલ્મોમાંથી બહાર કાઢવામાં આવતા હોય છે. મનોરંજન વિશ્વમાં પણ એવું જોવા મળે છે કે કોઇ સ્ટાર કિડને અન્ય સ્ટાર કિડને કારણે પ્રોજેક્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે.
સોનાક્ષીએ પોતાની સાથે પણ આવો અનુભવ થયો હોવાનું જણાવ્યું હતું. સોનાક્ષીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંના આઉટસાઇડર્સો પર આડકતરી રીતે ટીપ્પણી કરતાં કહ્યું હતું કે, સ્ટાર કિડને મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં દરેક સવલત મળે છે તે વાતમાં કોઇ દમ નથી. તેમને પણ ફિલ્મોમાંથી દૂર કરવામાં આવતા હોય છે. ખાસ વાત તો એ છે કે, તેઓ જાહેરમાં આ બાબતે અફસોસ વ્યક્ત કરતા નથી હોતા.
તેણે વધુમાં એમ પણ કહ્યું હતું કે, ‘મારી વાત તો ભૂલી જાઓ, પરંતુ મારા પિતા જેઓ સ્ટાર સંતાન નહોતા તેમને પણ આવો કડવો અનુભવ થયો છે. તેમને પણ ઘણી ફિલ્મોમાંથી દૂર કરવામાં આવ્યા હતા. આવું દરેક સ્ટાર સાથે થતું હોય છે. આમાં કંઇ નવું નથી, આ તો વ્યવસાયનો એક હિસ્સો હોય છે અને તેની સાથે તમે આગળ વધતા હો છો. સખત પરિશ્રમ કરતા રહેવાથી સફળતા મળે છે.’