સોમનાથની પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટની નદીમાં અસ્થિ વિસર્જન સહિતની વસ્તુ્ઓ પધરાવવા પર પ્રતિબંઘ ફરમાવતુ જાહેરનામુ મંગળવારે અમલમાં આવતા વિવાદ થયો હતો.
તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્ટની સિક્યોરિટી આમને સામને આવી જતા ઉગ્ર બોલચાલી થતા વાતાવરણ તંગ થયુ હતું. તીર્થ પુરોહિતોએ કલેકટરને રૂબરૂ મળી જાહેરનામાનો અમલ અટકાવવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. સોમનાથ ટ્રસ્ટાએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સુચનાથી ત્રિવેણી નદી વધુ પ્રદુષિત ન થાય તે હેતુસર જાહેરનામુ અમલમાં લાવ્યુ હોવાનો ખુલાસો કર્યો છે.જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સોમનાથ ટ્રસ્ટની દરખાસ્તના પગલે ત્રિવેણી સંગમ નદીમાં અસ્થિ વિસર્જન કે પિંડદાન સહિતની વસ્તુઓ ના પધરાવવા જાહેરનામુ પ્રસિદ્ધ કરતા વર્ષોની પરંપરા અટકતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક તીર્થ પુરોહિતમાં રોષની લાગણી ફેલાય હતી.