ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ખાલિસ્તાની સમર્થકો દ્વારા વિદેશમાં ભારતીય મિશનો પરના તાજેતરના હુમલા અંગે ટીપ્પણી કરતાં જણાવ્યું હતું કે ભારતીય દુતાવાસ અથવા હાઈકમિશન અથવા કોન્સ્યુલેટ અને તેમના પરિસરની સુરક્ષાની જવાબદારી સંબંધિત દેશોની છે. આ જવાબદારી અદા કરવામાં આવી નથી. ભારતીય મિશનોની બહારી ખાલિસ્તાની તત્વોના દેખાવાને મુદ્દે ભારતે કેનેડાના હાઇ કમિશનર કેમરોન મેકેને સમન્સ કર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ભારતે અમેરિકા અને યુકે સમક્ષ પણ પણ આવો જ વિરોધ નોંધાવ્યો હતો.
બેંગલુરુ દક્ષિણના સાંસદ તેજસ્વી સૂર્યા દ્વારા આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં લંડનમાં કરેલી ટીપ્પણીનો દેખિતો ઉલ્લેખ કરતાં વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે દેશની અંદરના લોકો રાજકારણને બહાર લઈ જઈ રહ્યા છે અને બહારના લોકો અંદરના રાજકારણમાં દખલ કરી રહ્યા છે. આજે આપણે આવું જોઇ રહ્યા છીએ.
બેંગલુરુમાં બીજેવાયએમ યુવા સંવાદમાં જયશંકરે જણાવ્યું હતું કે 2014 સુધી વિશ્વના ઘણા લોકોને ભારતમાં બધુ ઠીકઠાક લાગતું હતું. આ પછી સ્થિતિ બદલાઈ અને પછી તેમને ભારતમાં નવો આત્મવિશ્વાસ જોવા મળ્યો છે. તેનાથી તેઓ અચાનક કહેવા લાગ્યા છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે, કોર્ટ યોગ્ય રીતે કામ કરી રહી નથી, ચૂંટણી પંચ બરાબર નથી, પ્રેસ પર પ્રતિબંધ છે. આ બધું 2014 પછી જ થવા લાગ્યું છે?
તેમણે જણાવ્યું હતું કે આવું કેમ થઈ રહ્યું છે? ભારતની બહારના લોકોને ભારતની અંદરના લોકોમાં રસ હોય છે. આવા લોકોને ચૂંટણીમાં સફળતા મળતી નથી અને તેઓ આજે ભારતની વાસ્તવિકતાનું ઓછું પ્રતિનિધિત્વ કરતા જોવામાં આવે છે. આવા સમયે દેશ બહારના લોકો સ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરે છે. આવું ઐતિહાસિક રીતે સામાન્ય છે, પરંતુ હવે ભારત તેનાથી અલગ વલણ અપનાવી રહ્યું છે.