ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપઅધ્યક્ષ અને પ્રવક્તા બૈજયંત જે પાંડાએ બુધવારના રોજ બોલિવૂડ સ્ટાર્સ પર એક ગંભીર આરોપ લગાવતો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે બોલિવૂડના કેટલાક સ્ટાર્સ પાકિસ્તાન અને આઈએસઆઈના સંપર્કમાં છે. આટલું જ નહીં આ સ્ટાર્સ પર આરોપ લગાવતા તેમણે કાર્યવાહી પણ હાથ ધરી છે. તેમણે પોતાની વાતના સમર્થનમાં એક ટ્વીટ પણ કર્યું હતું.
પોતાના ટ્વીટમાં પાંડાએ કહ્યું કે, કેટલાક બોલિવૂડ સ્ટાર્સના જમ્મુ-કાશ્મીરમાં હિંસા ભડકાવનારા પાકિસ્તાનીઓ અને અપ્રવાસી ભારતીયોની સાથે વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધો છે. આટલું જ નહીં પરંતુ આશ્ચર્ય પમાડનારી વાત એ છે કે તેઓ આઈએસઆઈ અને પાકિસ્તાની સેના સાથે પણ સંપર્કમાં છે. હું દેશભક્ત બોલિવૂડના લોકોને અપીલ કરું છું કે તેઓ આવા લોકો સાથે કામ ન કરે.
લોકસભા સાંસદ રહી ચૂકેલા પાંડાએ તાજેતરમાં કરેલા પોતાના આ ટ્વીટમાં કોઈ પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો નથી. તેમના ટ્વીટ કરતાની સાથે જ ઈન્ટરનેટ પર ઉત્સિક લોકોએ તાત્કાલિક ધોરણે આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક લોકોએ પાંડા પાસેથી આ બોલિવૂડ સ્ટાર્સના નામનો ખુલાસો કરવા માટે તેમજ તેની સાથે સંકળાયેલા તથ્યોને સામે લાવવા માટેની પણ અપીલ કરી હતી. તો કોઈએ તેમને એનઆઈએ દ્વારા તપાસ કરાવવા માટેની સલાહ પણ આપી હતી.