ભારત વિશ્વમાં વિવિધ ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા અને સમાજ ધરાવતો અનોખો દેશ છે. ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિકાસમાં તમામ ધર્મના લોકોએ યોગદાન આપ્યું છે. અહીં ફિલ્મો અને ટેલિવિઝન ક્ષેત્રની કેટલીક એવી અભિનેત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમણે પોતાના પ્રિયપાત્ર સાથે લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કર્યું હતું. આ અભિનેત્રીઓ તેમની લોકપ્રિયતા, અભિનય, કામ, સુંદરતા, વિવાદ વગેરેના કારણે ચર્ચામાં રહી હતી.
આયેશા ટાકિયા
‘વોન્ટેડ’ અને’ટાર્ઝન’ જેવી સુપરહિટ ફિલ્મોની અભિનેત્રી આયેશા ટાકિયાનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો. 2009માં આયેશાએ તેના બોયફ્રેન્ડ ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા તે અગાઉ તેણે ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો.
શર્મિલા ટાગોર
સૈફ અલીખાન અને સોહા અલીખાનની માતા અને ભૂતકાળની લોકપ્રિય અભિનેત્રી શર્મિલા ટાગોરનો જન્મ પણ બંગાળી હિન્દુ પરિવારમાં થયો હતો. શર્મિલા ટાગોરે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મન્સૂર અલીખાન પટૌડી સાથેના લગ્ન પહેલા ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. લગ્ન પછી તેમનું નામ બદલીને બેગમ આયેશા સુલતાના રાખવામાં આવ્યું હતું.
અમૃતા સિંઘ
1980-90ના દસકામાં બેતાબ, મર્દ, ચમેલી કી શાદી જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળેલી અમૃતા સિંઘનાં માતા મુસ્લિમ અને પિતા શીખ-પંજાબી હતા. 1991માં સૈફ અલી ખાન સાથેના લગ્ન પહેલાં તેણે પણ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો.
હેમા માલિની
‘ડ્રીમ ગર્લ’ તરીકે લોકપ્રિય બનેલા હેમા માલિનીએ 1980માં ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન કરવા માટે તેણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. કારણ કે, ધર્મેન્દ્ર પહેલેથી જ પરિણીત હતા અને હિન્દુ ધર્મમાં એક લગ્ન પછી બીજા લગ્ન કરી શકાતા નથી, તેથી ધર્મેન્દ્રને પણ ઈસ્લામ ધર્મ અંગીકાર કરવો પડ્યો હતો અને પછી તેમણે હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા હતા.
મમતા કુલકર્ણી
1990ના દાયકાની વિવાદાસ્પદ અભિનેત્રી મમતા કુલકર્ણીનો જન્મ પણ હિન્દુ પરિવારમાં થયો હતો. પ્રેમના કારણે તેણે મુસ્લિમ ધર્મ પણ અપનાવ્યો અને પછી લગ્ન કરી લીધા હતા. જોકે, આજે તે ગુમનામીનું જીવન જીવી રહી છે અને તેના વિશે કોઈ સમાચાર નથી. કહેવાય છે કે, ડ્રગની ઇન્ટરનેશનલ હેરાફેરીમાં મમતા અને તેના સાથી વિકી ગોસ્વામીને થાણેની કોર્ટે ભાગેડુ જાહેર કર્યા હતા. પછી દુબઇની પોલીસે ડ્રગ્સ રાખવાના કેસમાં વિકીની ધરપકડ કરી હતી અને તેને 25 વર્ષની જેલ સજા થઇ હતી. જોકે, તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેતા તે પાંચ વર્ષમાં જેલ મુક્ત થઇ ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી લાંબી સજામાંથી બચવા માટે અપીલ કરી શકે છે. જેમાં સારું વર્તન અને કુરાનની આયાતોનો અભ્યાસ કરીને મુસ્લિમ ધર્મ સ્વીકારનારને ઘણી ઓછી સજા કરવામાં આવે છે. આથી વિકીએ લાંબી સજામાંથી બહાર નીકળવા ધર્મ પરિવર્તન કર્યું હતું. કહેવાય છે કે, વિકીએ જેલમાં જ મમતા કુલકર્ણી સાથે મુસ્લિમ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. પરંતુ કેટલાક લોકો આ વાતને પાયાવિહોણી માને છે.