વેસ્ટ મિડલેન્ડ્ઝના સોલિહલના થીજી ગયેલા બેબ્સ મિલ લેકમાં રવિવારે ડૂબી જવાથી મરણ પામનારોમાં બે સગા ભાઈઓ ફિનલે અને સેમ્યુઅલ બટલર અને તેમના પિતરાઈ ભાઈ થોમસ સ્ટુઅર્ટનો સમાવેશ થાય છે. થીજી ગયેલા સરોવરમાંથી ખેંચવામાં આવેલા ચાર બાળકોના હોસ્પિટલમાં દુઃખદ મૃત્યુ થયાં હતાં.
આ ભયાનક ઘટનામાં દસ વર્ષીય જેક જોન્સનનું પણ મોત થયું હતું. દુર્ભાગ્યે, છ વર્ષીય સેમ્યુઅલ ICUમાં દિવસો સુધી લડ્યા પછી મરણ પમ્યો હતો.
થોમસ, (ઉ.વ. 11) અને ફિનલે, (ઉ.વ. 8) અને સેમના માતા-પિતાએ કહ્યું હતું કે “એક કુટુંબ તરીકે અમે અમારા સુંદર છોકરાઓ ટોમ, ફિન અને સેમને આવા દુ:ખદ સંજોગોમાં ગુમાવવાથી બરબાદ થઈ ગયા છીએ. અમે ઇમરજન્સી સેવાઓના તેઓની તમામ સદસ્યોનો આભાર માનીએ છીએ. અમે આ ખૂબ જ દુ:ખદ સમયે જેકના પરિવાર પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરવા માંગીએ છીએ.’’
આ અગાઉ વધુ બાળકો પાણીની અંદર હોવાના અહેવાલોને પગલે પોલીસ અને ઇમરજન્સી સેવાઓએ લેકમાં વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તપાસના તે કોઇ વધુ બાળકો નહિં મળતા લેક પરનો પોલીસ કોર્ડન હટાવી લેવાયો હતો.
પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ રિચ હેરિસે શ્રધ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે “આ દુર્ઘટના છોકરાઓના પરિવારો અને મિત્રો માટે અકલ્પનીય છે. સમુદાયનો ટેકો માત્ર શોકગ્રસ્ત પરિવારો માટે જ નહીં, પણ ઇમરજન્સી સેવાઓ માટે પણ જબરજસ્ત રહ્યો છે, જેના માટે અમે અત્યંત આભારી છીએ. અમારા અધિકારીઓ આગામી દિવસોમાં આ વિસ્તારમાં રહેશે જેમની સાથે જરૂર હોય ત્યારે વાત કરી શકાશે.”