રવિવારે તા. 11ના રોજ વેસ્ટ મિડલેન્ડ્સના સોલિહલમાં કિંગ્સહર્સ્ટના બેબ્સ મિલ પાર્કમાં થીજી ગયેલા સરોવરમાં પડવાથી 8, 10 અને 11 વર્ષની વયના ત્રણ છોકરાઓ મૃત્યુ પામ્યા હતા. જ્યારે છ વર્ષના ચોથા છોકરાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં જીવ બચાવવાની લડાઇ હારી જતા બુધવારે તેનું મરણ થયું હતું. ઇમરજન્સી સેવાઓએ સોમવારે વધુ બાળકો માટે બેબ્સ મિલ પાર્કના લેકમાં શોધ કરવાનું ચાલુ રાખ્યું હતું પરંતુ અન્ય કોઇ બાળક ન હોવવાનું જણાયું હતું.
આ બાળકોને બચાવવા માટે પોતાના જીવની પરવા કર્યા વગર લેકમાં ઝંપલાવનાર અને મરણ પામનાર 10 વર્ષના હીરો બાળક જેક જૉન્સનની ચારેય કોર સરાહના થઇ રહી છે. જેકની આન્ટીએ દાવો કર્યો હતો કે તે પડી ગયેલા બાળકોને મદદ કરવા માટે પાણીમાં ગયો હતો. તેમના એક પારિવારિક મિત્રનો દાવો છે કે જેકના દાદા (પીટર) પણ તેને બચાવવા માટે તળાવમાં ધસી આવ્યા હતા.
સોલિહલના હૃદયભંગ સમુદાયના લોકોએ મંગળવારે રાત્રે બેબ્સ મિલ પાર્ક ખાતે બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ લાઇટ વિજીલનું આયોજન કર્યું હતું. જેમાં ઘણા બધા બાળકો સહિત લગભગ 250 લોકોએ મીણબત્તી પ્રગટાવી ફૂલોના ગુચ્છો, ફુગ્ગાઓ મૂકી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. વેસ્ટ મિડલેન્ડ્સના આઠ પોલીસ અધિકારીઓને પણ બિરદાવવામાં આવ્યા હતા. એક અધિકારી વ્યથિત થઇ ગયા હતા.
લેકમાંથી મળી આવેલા ત્રણેય બાળકોને સારવાર માટે બર્મિંગહામ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ અને હાર્ટલેન્ડ્સ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.
વડા પ્રધાન ઋષિ સુનકે ત્રણેય મૃતક બાળકોને શ્રધ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે તેમના વિચારો બાળકોના પરિવારો સાથે છે. બે યુવાન પુત્રીઓના પિતા તરીકે આ કેસ વિશે વિચારવું ખાસ કરીને મુશ્કેલ હતું. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવાર અને મિત્રો માટે આ વિનાશક સમાચાર છે.
સુનકે સતત કામ કરનાર ઇમરજન્સી સેવાઓનો આભાર માની મેરીડેનના સાંસદ સાકિબ ભટ્ટી સાથે વાત કરી હતી. સાકિબ ભટ્ટીએ મંગળવારે સોલિહલ કાઉન્સિલના નેતા ઈયાન કોર્ટ્સ અને ડેપ્યુટી લીડર કારેન ગ્રિનસેલ સાથે ઘટનાસ્થળની મુલાકાત લઇ ઈમરજન્સી સેવાઓની પ્રશંસા કરી હતી.
વેસ્ટ મિડલેન્ડ્સના મેયર એન્ડી સ્ટ્રીટે શ્રદ્ધાંજલિ આપતાં કાર્ડમાં લખ્યું હતું કે ‘આવી દુર્ઘટના. મારું હૃદય એમના પરિવારો માટે છે જેમણે તેમની સૌથી કિંમતી ભેટ ગુમાવી છે. તેમના યુવાન જીવનને શાંતિ મળે.’
વેસ્ટ મિડલેન્ડ પોલીસના સુપ્રિન્ટેન્ડન્ટ રિચાર્ડ હેરિસે જણાવ્યું હતું કે ‘’આ દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારના સભ્યો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. ઘટનાસ્થળે ગયેલા પોલીસ અધિકારીઓએ પોતાની સુરક્ષાની પરવા કર્યા વિના કોઈ ખાસ કપડાં પહેર્યા વગર પાણીમાં ઉતર્યા હતા. કેટલાકે તો કમર સુઘીના પાણીમાં જઇ તપાસ કરી હતી. મારા એક અધિકારીએ ખરેખર બાળકોને બચાવવા માટે બરફ પર મુક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો. તે અધિકારીને, તેના પરિણામે, ગઈકાલે થોડો હાયપોથર્મિયા થયો હતો. પણ તેમને હવે હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. તળાવમાં શોધખોળ ચાલુ છે અને અમે 100% ખાતરી કરવા માંગીએ છીએ કે આ સમયે પાણીમાં સંભવતઃ બીજું કોઈ રહ્યું નથી. હજુ અમારો કોઈ પણ વ્યક્તિએ બીજું કોઈ ગુમ થયું છે તેમ જણાવ્યું નથી.”
વેસ્ટ મિડલેન્ડ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસના એરિયા કમાન્ડર રિચાર્ડ સ્ટેન્ટને જણાવ્યું હતું કે ‘’સોશિયલ મીડિયા પરના પ્રારંભિક અહેવાલો અને વિડિયોમાં ‘છ જેટલા’ બાળકો પાણીમાં ગયા હોવાનું જણાવાયા બાદ સર્ચ ઓપરેશન ચાલુ રખાયું હતું. મે સૌને ઠંડા તાપમાન વચ્ચે તળાવોની નજીક ન જવા લોકોને વિનંતી કરીએ છીએ. લેકમાં પડવાના બનાવો વખતે લોકોએ શક્ય તેટલી ઝડપથી કટોકટી સેવાઓનો સંપર્ક કરવો જોઇએ.’’
ઘટના સમયે આ વિસ્તારમાં તાપમાન 1C (34F) સુધી ગબડી ગયું હોવાનું માનવામાં આવે છે, જે રાતે -3C (26F) સુધી ઘટી ગયું હતું.
આ વિસ્તારની એક પ્રાથમિક શાળા ‘બેબ્સ મિલની ઘટના બાદ બંધ કરાઇ હતી.
માનવામાં આવે છે કે મૃત બાળક જેક જૉન્સન કિંગહર્સ્ટમાં સેન્ટ એન્થની રોમન કેથોલિક પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી હતો. શાળાના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ, માર્કસ બ્રેને કહ્યું: ‘અમારા એક બાળકનું અવસાન થયું છે. મેં પરિવાર સાથે વાત કરી છે. સ્ટાફ સંપૂર્ણપણે હતાશ છે અને અમે બધા આઘાત અનુભવીએ છીએ.’
રોયલ લાઈફ સેવિંગ સોસાયટી યુકેની સુરક્ષિત રહેવા ચેતવણી
રોયલ લાઈફ સેવિંગ સોસાયટી યુકેએ થીજી ગયેલા તળાવો પાસે સુરક્ષિત રહેવા વિષે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ‘’બાળકોએ કોઈપણ સંજોગોમાં તળાવ કે સરોવરની બરફની સપાટી પર ન જવું જોઈએ. પાણી હોય ત્યાંથી દૂર રહેવું જોઇએ. કારણ કે ત્યાંની ઉંચી નીચી જમીન પરથી લપસી જવાના કારણે પાણીમાં પડવાની શક્યતા વધારે રહે છે. શક્ય હોય ત્યાં સુધી રાત્રે લાઇટવાળા માર્ગોને વળગી રહો. પાળેલા કૂતરા જ્યારે બરફની નજીક હોય ત્યારે તેમને પટ્ટો પહેરાવી રાખો અને બરફ પર લાકડીઓ અથવા રમકડાં ફેંકશો નહીં. જો કોઈ પાળતુ પ્રાણી પાણીમાં અંદર પડી જાય, તો તેને બચાવવા માટે બરફ પર કે પાણીમાં જશો નહિં. કૂતરાને બહાર નીકળી શકે તેવી જગ્યાએ ખસેડો અને તેમને તમારી પાસે બોલાવો.