ઇમિગ્રેશન અને એમ્પલોયમેન્ટ લોના નિષ્ણાત સોલિસિટર ફારુખ નજીબ હુસૈને ટાઈમ્સના કોલમીસ્ટ હ્યુગો રિફકાઇન્ડ સહિત કેટલાય લોકોને સોશિયલ મીડિયા પર યહૂદી વિરોધી ટિપ્પણીઓ માટે લક્ષ્ય બનાવતા તેમની સામે ટ્રિબ્યુનલમાં સુનાવણી શરૂ કરાઇ છે. એવો દાવો કરાય છે કે તેમણે “ઝાયોનિસ્ટ પિગ” વાક્યનો ઉપયોગ કરીને યહૂદી વંશના હ્યુગો રિફકાઇન્ડ સામે શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા હતા.
યહૂદી વિરોધી ટિપ્પણીઓ માટે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરનાર સોલિસિટર ફારુખ શુક્રવાર સુધી ટ્રિબ્યુનલની સુનાવણીમાં ચાલે તેવી અપેક્ષા છે. હુસૈને 2021 માં ટ્વિટર પર તેમની ટિપ્પણીઓ સાથે વ્યાવસાયિક નિયમોનો ભંગ કર્યો હોવાના આરોપોને નકારી કાઢ્યા છે.
રેગ્યુલેટર્સના વકિલોએ ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે કટારલેખક સાથે ઇતિહાસકાર અને પ્રવાસ લેખક વિલિયમ ડેલરીમ્પલના ટાઇમ્સ રેડિયો ઇન્ટરવ્યુ પછી હુસૈને રિફકાઇન્ડ માટે ઘણી ટિપ્પણીઓ કરી હતી.
પ્રોસિક્યુશન તરફથી લુઇસ ક્યુલેટને જણાવ્યું હતું કે હુસૈને “નવ મહિનામાં નોંધપાત્ર સંખ્યામાં અયોગ્ય અને અપમાનજનક ટ્વીટ્સ પોસ્ટ કર્યા હતા, તેમાંના કેટલાક સેમિટિક તેમજ અયોગ્ય અને/અથવા અપમાનજનક હતા.”
હુસૈને 2014 માં લાયકાત મેળવી હતી અને લો ફર્મ બેવન બ્રિટનમાં કામ કર્યું હતું. તેના પર સોલિસિટર રેગ્યુલેશન ઓથોરિટી (SRA) ને અપમાનજનક ઇમેઇલ્સ મોકલવાનો પણ આરોપ છે, જેમાંથી એક “ઝીયોનિસ્ટ માફીવાદી અને ફાસીવાદીઓ”નો ઉલ્લેખ કરે છે.