ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ અને બંધારણના નિષ્ણાત સોલી સોરાબજીનું કોરોનાને કારણે શુક્રવારે સવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 91 વર્ષ હતી. વરિષ્ઠ ધારાશાસ્ત્રી, પૂર્વ એટર્ની જનરલ અને પદ્મ વિભૂષણ સોલી સોરાબજી 1989-90 અને પછી 1998-2004 સુધી દેશના એટર્ની જનરલ હતા.
સોલી સોરાબજીનો જન્મ 1930માં બોમ્બે ખાતે થયો હતો. તેઓ 1953થી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. 1971માં તેઓ સુપ્રીમ કોર્ટના સીનિયર કાઉન્સિલર બન્યા હતા. તેઓ બે વખત ભારતના એટર્ની જનરલ રહી ચુક્યા છે.
તેમણે દેશના વરિષ્ઠ માનવાધિકાર વકીલ તરીકે ઓળખ મેળવી હતી. 1997માં યુનાઈટેડ નેશને તેમને વિશેષ દૂત બનાવીને નાઈજિરિયા મોકલ્યા હતા જેથી ત્યાંની માનવાધિકારની સ્થિતિ વિશે માહિતી મળી શકે. આ પછી 1998થી 2004 સુધી તેઓ માનવાધિકારોના સંવર્ધન અને સંરક્ષણ પર યુએન-સબ કમિશનના સભ્ય અને બાદમાં અધ્યક્ષ બન્યા હતા. તેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતાના હિમાયતી હતા. ભારતની સર્વોચ્ય ન્યાયાલયમાં તેમણે અનેક ઐતિહાસિક પ્રસંગે પ્રેસની સ્વતંત્રતાનો બચાવ કર્યો હતો.