અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2020ની ચૂંટણી રેલીમાં ઇરાન સેના પ્રમુખ સુલેમાનીને મારવાના આદેશ પર નોબેલ પ્રાઈઝના હકદાર હોવાનો દાવો કર્યો છે. તેમણે અહીં એક ચૂંટણી રેલી દરમિયાન એવો તર્ક આપ્યો હતો કે સુલેમાનીને મારવાનો આદેશ આપી તેમણે અમેરિકન નાગરિકો સાથે ન્યાય કર્યો છે. જે માટે તેમને નોબેલ પ્રાઈઝ મળવું જોઇએ.
બીજી તરફ તેમના આ નિર્ણય પર ડેમોક્રેટિક નેતાઓ સવાલ ઉઠાવી વિરોધ કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિએ આ પગલુ વિચાર્યા વગર ભર્યું છે. વિપક્ષ દ્વારા સદનમાં એક પ્રસ્તાવને મંજૂરી આપ્યા પછી કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પે ઇરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી માટે પહેલા કોંગ્રેસ પાસેથી સલાહ લેવાની જરુર હતી.
રેલીને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, મેં ક્યારેય નોબેલ પ્રાઈઝ જીત્યું નથી, 2019માં નોબેલ પ્રાઈઝ વિજેતા, ઇથિયોપિયાના વડાપ્રધાન અબી અહેમદ તરફ ઇશારો કરતાં તેમણે જણાવ્યું કે, તેઓ પોતે પણ આ સન્માનના હકદાર છે. તેમણે કહ્યું કે મેં એક દેશ બચાવ્યો છે અને મેં સાંભળ્યું છે દેશના વડાને દેશ બચાવવા માટે નોબેલ પ્રાઈઝ મળ્યું છે.
ગત અઠવાડિયે સુલેમાનીની હત્યાએ અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા કરી હતી, જવાબી કાર્યવાહીમાં ઇરાને પડોસી દેશ ઇરાકમાં સ્થિત અમેરિકન સેના છાવણી પર મિસાઇલ હુમલો કર્યો હતો જ્યાં મોટી સંખ્યામાં અમેરિકન સૈનિકો હાજર હતા, આ હુમલામાં નુકસાનના અંગે બંને દેશો વિરોધાભાસી દાવા કરી રહ્યા છે. જોકે તુરંત બાદ ટ્રમ્પે મીડિયા સાથે વાતચીત કરતા ખુલાસો કર્યો હતો કે ઇરાન વિરુદ્ધ સેના કાર્યવાહી કરવા માટે હાલમાં કોઇ યોજના નથી. તેમણે ઇરાન ઉપર નવા કડક પ્રતિબંધો લાદ્યવાની વાત કરી હતી.
નોંધનીય છે કે ઇરાને ટ્રમ્પ માટે 2020 રાષ્ટ્રપતિ ચૂંટણીમાં નવો મોર્ચો ખોલી આપ્યો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ મુજબ રાષ્ટ્રપતિએ એક ખતરનાક આંતકીનો ખાતમો કર્યો હતો. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી જ્યારે સમગ્ર વિશ્વને તેનાથી ખતરો પેદા થયો હતો.