ગયા વર્ષે જુલાઇમાં ‘મર્ડર ઓન ધ ડાન્સફ્લોર’ની ગાયીકા સોફી એલિસ-બેક્સ્ટરને મળ્યા બાદ ભેટો અને ઇન્સ્ટાગ્રામ પર સેંકડો સંદેશા મોકલી સ્ટોકીંગ કરવા બદલ નિશીલ પટેલ સામે પોલીસે સ્ટોકિંગ પ્રોટેક્શન ઓર્ડર (એસપીઓ) માટે અરજી કરી છે. ડિસ્ટ્રીક્ટ જજ વેનેસા બેરેઇસ્ટરે હંગામી એસપીઓને મંજૂરી આપી હતી. આ અંગે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
વેસ્ટ લંડનના ચિઝીક ખાતે રહેતા 39 વર્ષના નિશીલ પટેલે 42 વર્ષીય સોફીને નિશાન બનાવી તેના પડોશીના ઘરે અનિચ્છનીય ભેટો મોકલી હતી. ગયા વર્ષે ઑક્ટોબર અને એપ્રિલની વચ્ચે તે સોફીના વેસ્ટ લંડનના ઘરની બહાર પણ દેખાયો હતો. પટેલે એલિસ-બેક્સ્ટરના પતિ રિચાર્ડ જોન્સનો અને તેમના પાંચ બાળકોમાંથી એકનો ઑનલાઇન સંપર્ક કર્યો હતો.
સોફીના વકીલ ફેલિક્સ કેટિંગે કોર્ટમાં જણાવ્યું હતું કે “સોફી ખરેખર બેચેન થઇ ગઈ હતી અને તે ઇચ્છતી હતી કે તે બંધ થાય. પટેલના સંદેશાઓ ક્રમશ: વધુને વધુ અપમાનજનક બન્યા હતા. તે ભેટો આપવા સોફીના પડોશીના ઘરે પણ ગયો હતો. સીસીટીવીમાં પટેલ સોફીની કાર પર સ્ટીકર લગાવતો અને તેના પડોશીના પોર્ચમાં ભેટો મૂકતો દેખાયો હતો.”
પટેલને ગયા વર્ષે 30 ઑક્ટોબરના રોજ પોલીસે ચેતવણી આપી હતી. તેમ છતાં તેણે સોશ્યલ મીડિયા પર તેનો સંપર્ક ચાલુ રાખ્યો હતો. પટેલની 26મી એપ્રિલે ધરપકડ કરાઇ હતી.
નિશીલ પટેલે શુક્રવાર તા. 16ના રોજ સવારે વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ હાજર થઇ કોર્ટમાં જાતે જ રજૂઆત કરતા કહ્યું હતું કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કોર્પોરેટ ટેક્સ કન્સલ્ટન્ટ તરીકેની નોકરી ગુમાવ્યા બાદ તેની માનસિક તબિયત લથડી હતી. કોર્ટમાં જણાવાયું હતું કે તે બાઇપોલર ડિસઓર્ડરથી પીડાય છે.