ગેરકાયદેસર ઇંગ્લિશ ચેનલ ક્રોસિંગ વિશેની માહિતી સોશ્યલ મિડીયા પર શેર કરી ઇમીગ્રન્ટ્સને લલચાવતા ગુનેગારોને ઝડપી લેવા માટે યુકે સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ સાથે સ્વૈચ્છિક ભાગીદારીની જાહેરાત કરી છે. આ જાહેરાતને કારણે માનવ તસ્કરી અટકાવવામાં સફળતા મળશે અને લક્ષ્યને પૂર્ણ કરવામાં મદદ મળશે એમ સુનક માની રહ્યા છે. આ નવી ભાગીદારી દ્વારા વધુ લોકોના જૂથ માટે ડિસ્કાઉન્ટ ઑફર્સ, બાળકો માટે મફત જગ્યાઓ, ખોટા દસ્તાવેજોની ઑફર અને સલામત માર્ગના ખોટા દાવાઓની દાણચોરોની જાહેરાતોને લક્ષ્ય બનાવાશે.
સુનકે જણાવ્યું હતું કે, “બોટ્સને રોકવા માટે, અમારે અધમ લોકોના દાણચોરીના બિઝનેસ મોડલનો સામનો કરવો પડશે. ટેક કંપનીઓની આ નવી પ્રતિબદ્ધતા આ ગુનેગારો સામેની લડતના અમારા પ્રયત્નોને બમણા કરશે. અમે તેમના અધમ વેપારને બંધ કરવા સાથે મળીને કામ કરીશું.’’
યુકેની નેશનલ ક્રાઈમ એજન્સી (NCA) દાવો કરે છે કે સોશિયલ મીડિયા કંપનીઓ લોકોની દાણચોરી સાથે જોડાયેલ 90 ટકાથી વધુ ઓનલાઈન જાહેરાતો દૂર કરે છે.
યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે “હાર્ટલેસ પીપલ સ્મગલર્સ તેમના ધંધાને પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે અને અસુરક્ષિત બોટમાં યુકેમાં ગેરકાયદેસર મુસાફરી કરવા માટે લોકોને હજારો પાઉન્ડ ચાર્જ કરે છે. તેઓ સફળ થવા જોઈએ નહીં.”
11 મિલિયન પાઉન્ડના ખર્ચે સ્થાપવામાં આવેલ “ઓનલાઈન કેપેબીલીટી સેન્ટર” ગેરકાયદેસર ક્રોસિંગ માટે જવાબદાર ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગેંગના બિઝનેસ મોડલને નબળું પાડવા અને વિક્ષેપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેમની ઑનલાઇન પ્રવૃત્તિ સામે લડવાના પ્રયાસોને તીવ્ર કરીને આ કામગીરીને સરળ બનાવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરશે.