યુકેના વિવિધ એરપોર્ટ પરથી ઉડાન ભરતી 100થી વધુ ફ્લાઇટ્સ રવિવાર અને સોમવારે રદ કરાઇ હતી. ગેટવિક, સ્ટેનસ્ટેડ, લુટન અને લંડન સિટી એરપોર્ટ સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યાં હતાં.
હીથ્રો એરપોર્ટ દ્વારા સોમવારે ટેકઓફ અને લેન્ડિંગની સંખ્યાને પ્રતિબંધિત કરાઇ હતી. તો ગેટવિક એરપોર્ટે મુસાફરોને ઘરેથી નીકળતા પહેલા તપાસ કરવા વિનંતી કરી હતી.
રવિવારે રાત્રે ખરાબ હવામાનને કારણે રનવે બંધ કરવાની ફરજ પડતા સ્ટેનસ્ટેડ એરપોર્ટે તમામ ફ્લાઇટ્સ સ્થગિત કરી હતી. જો કે હવે તેનો રનવે ‘સંપૂર્ણપણે કાર્યરત’ છે પરંતુ રવિવારની અસર અને ફ્લાઇટ્સ રદ થવાના પરિણામે નવી ફ્લાઈટ્સ પર અસર પડશે.
ઇઝીજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘’ફ્લાઇટ્સ રદ થયા બાદ મુસાફરો માટેના વિક્ષેપને ઓછો કરવા માટે એરલાઇન ‘સંભવત: બધું કરી રહી છે. લુટન અને ગેટવિક એરપોર્ટ બરફથી પ્રભાવિત થયા બાદ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ્દ કરાઇ હતી. બરફને કારણે માન્ચેસ્ટર, લિવરપૂલ, લંડન ગેટવિક અને લંડન લુટન એરપોર્ટ પરથી ઉડતી કેટલીક ફ્લાઈટ રદ કરાઇ હતી કે ડાયવર્ઝન કરાયું હતું.”
લંડન સિટી એરપોર્ટે જણાવ્યું હતું કે રવિવારની રાત્રે ‘નોંધપાત્ર પ્રમાણમાં કેન્સલેશન્સ’ બાદ સોમવારે સવારે થોડો વિક્ષેપ અનુભવયો હતો.