રાજસ્થાનના માઉન્ટ આબુમાં સોમવારે તાપમાન શૂન્ય ડીગ્રી સુધી પહોંચી જતા થીજી ગયું હતું અને તે રાજ્યનો સૌથી ઠંડો પ્રદેશ બની ગયું હતું. જ્યારે રાજસ્થાનના ચુરૂનું તાપમાન 5.8 ડીગ્રી અને ભીલવાડાનું 7 ડીગ્રી હતું. બીજી તરફ કાશ્મીરમાં સોમવારે આ શિયાળાની પ્રથમ હિમવર્ષા થઇ હતી. શ્રીનગર-લેહ રોડ પર ભારે હિમવર્ષા થઇ હતી.
કાશ્મીરના ગુલમર્ગમાં પણ ચાર ઇંચ જેટલો બરફ પડયો હતો અને તેનાથી જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવેને બંધ કરી દેવો પડયો હતો અને મોટા પ્રમાણમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. હાઇવે બંધ થઇ જતા આશરે 300 જેટલા વાહનો ફસાયા હતા, જોકે બાદમાં બરફ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ હતી જેના મોટા વાહનોને તૈનાત કરી દેવાયા હતા. દિલ્હીમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. દિલ્હીના લોધી રોડ પર તાપમાન ચાર ડીગ્રી ઘટી ગયું હતું. આઇએમડી દ્વારા સામાન્ય રીતે તાપમાન 10 ડીગ્રી કે તેથી નીચે જાય છે ત્યારે કોલ્ડ વેવની જાહેરાત કરવામાં આવતી હોય છે.
દિલ્હીમાં સોમવારે છેલ્લા 17 વર્ષમાં નવેમ્બર માસમાં સૌથી નીચુ 6.3 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જેને પગલે 17 વર્ષનો રેકોર્ડ પણ તૂટયો હતો. ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું અને મુઝફ્ફરનગરમાં તાપમાન 5.5 ડીગ્રી સેલ્સિયસએ પહોંચી ગયું હતું. અહીંના પૂર્વ ઉત્તર પ્રદેશમાં કોલ્ડ વેવની જાહેરાત કરવામાં આવી હતી.
હિમાચલ પ્રદેશના મનાલીમાં 13 એમએમ વરસાદ પડયો હતો. રાજ્યના કીલોંગ જેવા વિસ્તારોમાં તાપમાન માઇનસ 3.8 ડીગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે કિન્નૌરમાં તાપમાન 1.4 ડીગ્રી નોંધાયું હતું. શિમલામાં પણ 7.1 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે અહીંના ઉનામાં સૌથી વધુ મહત્તમ 23 ડીગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું.