-15 સેલ્સીયસ આર્કટિક બ્લાસ્ટ સ્વીપની આગાહી સાથે લંડન સહિત સમગ્ર યુકેમાં બરફ પડવાનું શરૂ થયું છે અને મેટ ઑફિસે આગામી બીજા ચાર દિવસ સુધી બરફ અને બરફને પગલે સર્જાનારી અરાજકતા માટે યલો વોર્નીંગ લંબાવી છે. આ અઠવાડિયે સમગ્ર યુ.કે.માં આખી રાત હિમવર્ષા બાદ બર્ફીલા હવામાનની અપેક્ષા છે. હવામાન કચેરીએ ચેતવણી આપી છે કે ‘ખૂબ જ ઠંડી આર્કટિક હવા’ આજે દક્ષિણ તરફ આગળ વધી રહી છે. બુધવારે મોટાભાગની હિમવર્ષાની આગાહી દેશના દક્ષિણ વિસ્તારોમાં થવાની ધારણા છે.
લંડનમાં ઠંડીનો પારો -4 સેલ્સીયસ અને બર્મિંગહામ અને બેલફાસ્ટમાં -6C સુધી ગગડવાની શક્યતા છે. લંડનના મેયર સાદિક ખાને રાજધાનીના સીવિયર વેધર ઈમરજન્સી પ્રોટોકોલને સક્રિય કર્યો છે જો રોડ રસ્તા પર સુતા લોકો માટે વધારાના ઇમરજન્સી આવાસ ખોલે છે.
મેટ ઑફિસે જણાવ્યું હતું કે બરફના કારણે રસ્તાઓ અવરોધિત થઈ શકે છે, વાહનો અટવાઈ શકે છે. એરપોર્ટને રનવેને બરફથી દૂર રાખવાનું અશક્ય લાગશે. કાર, ટ્રેન અને બસ દ્વારા મુસાફરીનો સમય કરતાં વધુ સમય લાગી શકે છે. સધર્ન, ગેટવિક એક્સપ્રેસ, થેમ્સલિંક અને ગ્રેટ નોર્ધન નેટવર્કની સેવાઓ બરફને કારણે અવરોધાય તેવી અપેક્ષા છે.
બુધવારે રાજધાની લંડનમાં વધુ હિમવર્ષા થવાની આગાહી છે. M4ની દક્ષિણે આવેલા પ્રદેશો પર આ અઠવાડિયે ‘વિક્ષેપનું સૌથી વધુ જોખમ’ હોવાનું કહેવાય છે. દેશની ઉત્તરમાં આવેલા કેટલાક ગ્રામીણ સમુદાયો દેશથી કપાઈ શકે છે. સાઉથ ઇંગ્લેન્ડ અને સાઉથ વેલ્સના કેટલાક વિસ્તારોમાં થોડા સેન્ટિમીટર બરફ જામી શકે છે તો દેશના ઉત્તરીય દરિયાકાંઠે, ખાસ કરીને નોર્ધર્ન સ્કોટલેન્ડમાં વધુ બરફ અને કરા સાથે વરસાદની પણ અપેક્ષા છે.
નોર્થ ઇંગ્લેન્ડના ગ્રામીણ વિસ્તારોમાં તાપમાન -10 સેલ્સીયસ અને સાઉથમાં -3થી -4 સેલ્સીયસ જેટલું ઓછું રહેવાની ધારણા સાથે મંગળવાર તા. 7ની રાત બ્રિટનની અત્યાર સુધીની વર્ષની સૌથી ઠંડી રાત બની શકે છે. સ્કોટલેન્ડના હાઇલેન્ડ વિસ્તારોમાં -15 સેલ્સીયસ જેટલા નીચા તાપમાનનો અનુભવ થશે. આ અઠવાડિયે યુકેમાં 15 ઇંચ હિમવર્ષા થઈ શકે છે. ગુરુવાર અને શુક્રવારે દેશના ઉત્તરીય વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે, કેટલાક વિસ્તારોમાં રેડ અને એમ્બર હવામાન ચેતવણીઓની આશંકા છે.
યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA) એ પણ નોર્થ ઈસ્ટ ઈંગ્લેન્ડ, નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડ અને યોર્કશાયરને લેવલ થ્રી કોલ્ડ વેધર એલર્ટ હેઠળ રાખ્યા છે, બાકીના ઈંગ્લેન્ડને ગુરુવારે મધરાત સુધી લેવલ ટુ પર રાખવામાં આવ્યા છે.