રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની કહીને મોટો વિવાદ ઊભો કરનારા કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ શબ્દનો ઉપયોગ કર્યા વગર દ્વૌપદી મુર્મુનું નામ મોટા અવાજે બોલવા બદલ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીની બિનશરતી માફીની માગણી કરી છે. તેમણે આ સંદર્ભમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાને લેખિત રજૂઆત કરી છે.
અગાઉ અધીર રંજને દ્વૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની કહેતા મોટો વિવાદ ઊભો થયો હતો અને ભાજપે અધીર રંજન અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની માફીની માગણી કરી હતી. લોકસભાના સ્પીકરને લખેલા પત્રમાં કોંગ્રેસ એમપીએ જણાવ્યું હતું કે હું ફરી કહેવા માગું છું કે જીભ લપસી ગઈ હોવાથી આપણા પ્રેસિડન્ટ મેડમનું નામ બિનજરૂરી વિવાદમાં ઘસેડવામાં આવ્યું હતું. હું હિન્દી સારી જાણતો ન હોવાથી અજાણતા ભૂલ થઈ હતી. મારી ભૂલ બદલ મને ખેદ છે અને મે રાષ્ટ્રપતિની માફી માગી છે. જોકે તેમણે જણાવ્યું હતું કે સ્મૃતિ ઇરાની ગૃહમાં રાષ્ટ્રપતિનું નામ જે રીતે લેતા હતા તે યોગ્ય ન હતું. તે રાષ્ટ્રપતિના દરજ્જા અને હોદ્દાને અનુરુપ પણ ન હતું.