સુરત એરપોર્ટ પર એક મોટા ઘટનાક્રમમાં, ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા રૂ. 1.66 કરોડની કિંમતનું 3.17 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. નવેમ્બર, 2022માં સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. DRI ના અધિકારીઓ દ્વારા ચોક્કસ બાતમીના આધારે, 9 નવેમ્બરે શારજાહથી સુરત મુસાફરી કરી રહેલા 3 મુસાફરો (2 પુરૂષ અને 1 સ્ત્રી)ને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અટકાયતમાં કરવામાં આવી હતી અને તેની તપાસ કરવામાં આવી હતી. આ મુસાફરોની તપાસ અને એક્સ-રે સ્કેનિંગ પર, કુલ 7 સોનાની પેસ્ટ કેપ્સ્યુલ તેમના શરીરમાં છુપાવેલી જોવા મળી હતી જેમાંથી 1941.28 ગ્રામ વિદેશી મૂળનું સોનું મળી આવ્યું હતું અને જપ્ત કરવામાં આવ્યું હતું. તેની બજાર કિંમત રૂ. 1.03 કરોડ નક્કી કરવામાં આવી હતી. અગાઉ, DRI દ્વારા આવી કાર્યવાહીમાં 2 નવેમ્બરે શારજાહથી સુરત તરફ મુસાફરી કરી રહેલા 2 મુસાફરોને અટકાવવામાં આવ્યા હતા અને તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, જેમના પર કેપ્સ્યુલ સ્વરૂપમાં અને અન્ડરવેરમાં તેમના શરીરમાં સોનાની પેસ્ટ છુપાવેલી જોવા મળી હતી. આ કેસમાં રિકવર કરાયેલ અને જપ્ત કરાયેલ કુલ સોનું 1.23 કિલો હતું જેની કિંમત રૂ. 63.25 લાખ હતી.
ગુજરાતમાં આ નાણાકીય વર્ષમાં ડીઆરઆઈએ અત્યાર સુધીમાં રૂ. 18.10 કરોડની કિંમતનું 33.735 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે.