Smt. Parvatiben Solanki's mortal body dissolves into Panchamahabhut

ગરવી ગુજરાતના સહસ્થાપક અને એશિયન મિડીયા ગૃપના આધારસ્તંભ શ્રીમતી પાર્વતીબેન રમણિકલાલ સોલંકીનો નશ્વર દેહ તા. 17ના શનિવારના રોજ નોર્થ વેસ્ટ લંડનના ગોલ્ડર્સ ગ્રીન ક્રિમેટોરીયમ ખાતે વિલાપ કરતા પરિવારજનો, અગ્રણી લોર્ડ્ઝ, એમપી અને બ્રિટીશ એશિયન ડાયસ્પોરાના અગ્રાણીઓની ઉપસ્થિતીમાં વેદોક્ત વિધિ સાથે પંચમહાભૂતમાં વિલિન થઇ ગયો હતો. અંતિમ વિધિમાં બ્રેન્ટ નોર્થના એમપી બેરી ગાર્ડિનર, ફેલ્ધામ અને હેસ્ટનના એમપી સીમા મલ્હોત્રા, બ્રેન્ટ સેન્ટ્રલના એમપી ડોન બટલર, કન્ઝર્વેટીવ પાર્ટીના પૂર્વ ચેરમેન લોર્ડ એન્ડ્રુ ફેલ્ડમેન, લોર્ડ કરણ બીલીમોરીયા અને લોર્ડ ડોલર પોપટ અને વિવિધ સામાજીક અને ધાર્મિક સંગઠનોના અગ્રણીઓ સહિત 400 કરતા વધુ અગ્રણીઓ, સ્વજનો અને મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.

8 સપ્ટેમ્બરના રોજ સમી સાંજે લંડન ખાતે દેહાવસાન પામેલા શ્રીમતી પાર્વતીબેનના નશ્વર દેહને તા. 17ના રોજ સવારે તેમના નોર્થ વેસ્ટ લંડનના વેમ્બલી સ્થિત હેરોડીન રોડ ખાતેના નિવાસસ્થાને લવાયો હતો. જ્યાં ભારતીય વિદ્યાભવનના ડાયરેક્ટર શ્રી નંદકુમાર જી દ્વારા વેદોક્ત વિધિ મુજબ સંસ્કૃતના શ્લોકો સાથે અંતિમ વિધિ માટે પ્રાર્થના કરાઇ હતી. તેમના માર્ગદર્શન સાથે પાર્વતીબેનના સંતાનો કલ્પેશભાઇ, સાધનાબેન કારીયા અને શૈલેશભાઇ સોલંકી તથા તેમના વિસ્તૃત પરિવારજનો દ્વારા અંતિમ વિધિ કરવામાં આવી હતી.

શ્રીમતી પાર્વતીબેનની અંતિમ વિધિનું સંકલન અગ્રણી ઇવેન્ટ પ્રોગ્રામર, પ્રોડ્યુસર અને પ્રમોટર શ્રી ભાવિત મહેતા દ્વારા કરાયું હતું. ભારતીય વિદ્યાભવનના ડાયરેક્ટર શ્રી નંદકુમાર જી અન્ય એપોઇન્ટમેન્ટ્સ હોવા છતાં ખાસ સમય ફળવીને અંતિમ વિધિ માટે ઉપસ્થિત રહ્યાં હતા અને ભાગવદ ગીતાના શ્લોકો સાથે અંતિમ વિધિનું સંચાલન કર્યું હતું.
આ પ્રસંગે અંતિમ વિધિમાં ઉપસ્થિત રહેવાની ઘણી ઇચ્છા હોવા છતાં મહારાણીના અંતિમ સંસ્કાર માટેની વ્યસ્તતાના કારણે હાજર નહિં રહી શકેલા સેક્રેટરી જનરલ ઓફ કોમનવેલ્થ બેરોનેસ પેટ્રીશીયા સ્કોટલેન્ડનો શોક સંદેશો કલ્પેશભાઇના પુત્રી શેફાલી સોલંકી દ્વારા વાંચવામાં આવ્યો હતો.

બેરોનેસ પેટ્રીશીયા સ્કોટલેન્ડે તેમના શોક સંદેશમાં જણાવ્યું હતું કે ‘’આજે હું તમારી સાથે રહી શકી નથી તે માટે હું ખૂબ જ દિલગીર છું. પરંતુ હું તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થનામાં તમારી સાથે રહીશ. આ દુઃખ અને શોકની આ તીવ્ર ક્ષણે તમારા બધા પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરૂં છું.’’

‘’તમે માતાના નિધનના કારણે જે પીડા અનુભવો છો તે નિવારી શકાય તેમ નથી. તેમની સાથે તમે જે પ્રેમ વહેંચ્યો છે તેને કોઇ ખચકાટ વિના સ્વીકારીને તેમણે પણ તમને ઉગ્રતાથી પ્રેમ કર્યો છે. તમે બધાએ તે પ્રેમ સમાન માપમાં પાછો આપ્યો છે. ભગવાનની કૃપાથી તમે તે પ્રેમને તમારા પિતા સાથે, તમારા મન અને હૃદયમાં હંમેશા સાથે રાખશો. તેમનો પ્રેમ આપ સૌ માટે ઓક્સિજન જેટલો જ જરૂરી હતો. તેઓ તમારા જીવનમાં, તમારા પિતા સાથે કેન્દ્રિયસ્થાને રહ્યાં હતાં અને તેમણે એક એવું વાતાવરણ બનાવ્યું હતું જેમાં તમે બધા મોટા અને સમૃદ્ધ થયા. તેઓ તમારો પાયો હતા.’’

‘’હું જાણું છું કે તેમના વિના જીવનની કલ્પના કરવી અશક્ય છે. પરંતુ તેમણે જે માર્ગ નક્કી કરવામાં મદદ કરી છે તેને તમે ચાલુ રાખજો અને આનંદ અને સંતોષની ભાવના સાથે યાદ કરી શકશો કે આટલા વર્ષો સુધી તેઓ ખરેખર તમારી સાથે જ હતા. તેમનું જીવન માત્ર તમારા માટે જ નહીં, પરંતુ સૌ માટે ભેટ હતું. તેમની નમ્રતા, દયા, વફાદારી, પ્રામાણિકતા અને હિંમતે આપણા બધા પર અમીટ છાપ છોડી છે. તેમના આત્માને શાંતિ મળે અને તેમના પર શાશ્વત પ્રકાશ ચમકતો રહે તેવી પ્રાર્થના.’’

LEAVE A REPLY