સ્મૃતિ ઈરાનીએ ટીવી શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ના 20 વર્ષ પૂર્ણ થતાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં સ્મૃતિએ પોતાના શોનો પહેલો સીન યાદ કરીને કેટલીક યાદો શૅર કરી હતી. આ સાથે જ પ્રોડ્યૂસર એકતા કપૂરના આત્મવિશ્વાસના વખાણ કર્યાં હતાં તો એકતાએ કહ્યું હતું કે ગુજરાતમાં ભૂકંપ આવ્યા બાદ લોકો ઘરની બહાર ટીવી સેટ્સ મૂકીને આ સિરિયલ જોતા હતાં.
સ્મૃતિએ કહ્યું હતું, ‘20 વર્ષ પહેલાં સુધા આંટીની સાથે આ સીન મારા પહેલાં સીન્સમાંથી એક હતો. મેં મારી લાઈન ગોખી નાખી હતી. બહુ જ બધી નર્વસ હતી. એકતા કપૂરે ડિરેક્ટરને શૂટિંગ શરૂ કરવાની સલાહ આપી હતી. ડિરેક્ટરે એકતાને કહ્યું હતું કે આ પ્રોજેક્ટ ફ્લોપ રહેશે, કારણે કે તુલસીના પાત્રમાં કાસ્ટ કરેલી છોકરીમાં ટેલેન્ટ નથી.’
સ્મૃતિએ આગળ કહ્યું હતું, ‘મને પૂછવામાં આવ્યું કે એક એક્ટર તરીકે હું મારી પૂરી ક્ષમતા સાથે શોટ કેમ આપતી નથી તો મેં કહ્યું હતું કે જો મને એમ કહેવામાં ના આવે કે હું પાત્ર માટે કેવી રીતે ફિટ રહું તો હું આ પાત્રને કેવી રીતે ભજવી શકું? હું વચન આપું છું કે હું મારા સાથી કલાકારોની મદદ લઈશ, હું એકલા આ કરી શકું નહીં.’ ‘એકતાએ મને આમ કરવાની આઝાદી આપી અને પછી જે થયું તે ટીવીનો ઈતિહાસમાં છે. તુલસીના પાત્રમાં ઢળવા માટે તમામ એક્ટર્સ તથા ક્રૂનો આભાર.’