ઇંગ્લેન્ડમાં સિગારેટના વેચાણની કાયદેસરની ઉંમર દર વર્ષે એક વર્ષ સુધી વધારવી જોઈએ. આવું ત્યાં સુધી થવું જોઇએ જ્યાં સુધી લોકો તમાકુના ઉત્પાદનો ખરીદી ન શકે એમ એક સરકારી કમિશન્ડ સમીક્ષામાં જણાવાયું હતું.
2030 સુધીમાં “ધુમ્રપાન મુક્ત” થવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ દ્વારા આ સમીક્ષા માટે આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં ઇંગ્લેન્ડમાં સિગારેટના વેચાણની કાયદેસરની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષથી વધારવી જોઇએ તેવી એક સહિત કુલ 15 ભલામણો કરાઇ હતી. તે ઉપરાંત લોકોને ધૂમ્રપાન છોડવામાં મદદ કરવા માટે “સ્વેપ ટુ સ્ટોપ” ટૂલ અંતર્ગત વેપનો પ્રચાર કરવાની અને તમાકુની પ્રોડક્ટ્સ વેચતા રિટેઇલરોને મર્યાદિત કરવા માટે તમાકુ વેચાણ માટે લાઇસન્સ આપવા સૂચન કરાયું છે.
યુકેમાં તાજેતરના વર્ષોમાં પીણાંમાં ખાંડ ઘટાડવા સહિત વિવિધ જાહેર આરોગ્ય બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો છે. સરકારી ડેટા દર્શાવે છે કે 2021/2022માં તમાકુ પ્રોડક્ટ્સ પરના કર દ્વારા £10.28 બિલિયનનો વધારો થયો છે.
ઈંગ્લેન્ડમાં અંદાજે 6 મિલિયન લોકો ધૂમ્રપાન કરે છે અને ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં તમાકુની કાયદેસર ખરીદી માટેની લઘુત્તમ વય છેલ્લે 2007માં 16 થી 18 વર્ષ સુધી વધારવામાં આવી હતી.