છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા યુઝર્સના ડેટા ચોરી થવાની બાબતો સામાન્ય બની રહી છે. ઘણીવાર વ્હોટ્સએપ, ફેસબુક તથા અન્ય સોશિયલ મીડિયાના એકાઉન્ટમાંથી ડેટા લીક થવાની માહિતી મળતી રહે છે. જોકે, હવે જો યુઝર્સનો ડેટા ચોરી થશે તો સોશિયલ મીડિયા કંપનીએ ભારતમાં રૂ. 15 કરોડ સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે.
તાજેતરમાં ભારતીય સંસદમાં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પર સંયુક્ત સંસદીય સમિતિનો રિપોર્ટ રજૂ થયો હતો. રાજ્યસભા અને લોકસભાની સંસદીય સમિતિએ ડેટા લીકને રોકવા માટે કાયદામાં વિશેષ પ્રકારની જોગવાઈઓ સૂચવી છે. આ અંતર્ગત જણાવાયું છે કે જો નિયમોનું ઉલ્લંઘન કરાશે અર્થાત ડેટા લીક થશે તો કંપનીઓ પર રૂ. 15 કરોડ સુધી દંડ લગાવાશે અથવા દંડ પેટે કંપનીએ પોતાના ટર્નઓવરની ચાર ટકા રકમ આપવી પડશે. કંપનીએ સામાન્ય પ્રકારના ઉલ્લંઘન માટે પાંચ કરોડ રૂપિયા કે પછી ગ્લોબલ ટર્ન ઓવરના બે ટકા ચૂકવવા પડશે. ટૂંકમાં ગૂગલ, ફેસબુક જેવી કંપનીઓએ હવે એલર્ટ રહેવું પડશે.
જો આ જોગવાઈઓને સરકાર કાયદામાં સમાવિષ્ઠ કરી લે તો પછી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ, એમેઝોન જેવી ઘણી કંપનીઓએ ભારતમાં ડેટા અંગે ખૂબ જ સતર્કતા દાખવવી પડશે. પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2019મા આ તમામ જોગવાઈઓ છે જ. આ બિલ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ડિસેમ્બર 2019માં લોકસભામાં રજૂ કર્યું હતું. ડેટા લીકને લઈને કંપનીએ ઉલ્લંઘન બાબતે 72 કલાકમાં સ્પષ્ટતા કરવી પડશે.