ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને મેલબોર્ન ટેસ્ટમાં સ્લો ઓવર રેટ બદલ મેચ ફીના 40 ટકાનો દંડ કરાયો હતો તેમજ આઈસીસીની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ચાર પોઈન્ટ પણ કપાયા હતા. આઈસીસી મેચ રેફરી ડેવિડ બૂનના નિર્ણય મુજબ ઓસ્ટ્રેલિયન ટીમે નિર્ધારિત સમયમાં બે ઓવર ઓછી બોલિંગ કરી હતી.
આઈસીસીએ નિવેદનમાં કહ્યું, ‘ખેલાડીઓ અને ખેલાડીઓના સહયોગી સ્ટાફ માટેની આચાર સંહિતાના નિયમ 2.22 અનુસાર, ન્યૂનતમ ઓવર રેટના ભંગ બદલ ખેલાડીઓ પર નિર્ધારિત સમયમાં પ્રત્યેક ઓવર ઓછી બોલિંગ કરવા બદલ મેચ ફીના 20 ટકા દંડ કરાય છે.’
આ ઉપરાંત આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના નિયમ 16.11.2 અનુસાર ટીમને પ્રત્યેક ઓછી ઓવર બદલ બે પોઈન્ટનો દંડ પણ કરાય છે. આ રીતે, ઓસ્ટ્રેલિયાના કુલ ચાર પોઈન્ટ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી કાપવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના સુકાની ટીમ પેઈને આરોપ અને સજા પણ સ્વીકારી લીધી હોવાથી ઔપચારિક સુનાવણીની જરૂર નથી. ઓસ્ટ્રેલિયા પોઈન્ટના આધારે હજુ ટોપ પર છે, એ પછી (0.722) ભારત બીજા અને ન્યૂઝીલેન્ડ (0.625) ત્રીજા ક્રમે આવે છે.