ભારતમાં આજકાલ નેતાઓ અને ભગવાનની વિરાટ કદની પ્રતિમાઓની ઘેલછા આસમાને પહોંચી ગઈ છે. આ સપ્તાહમાં જ, શુક્રવારે (14 એપ્રિલ) ભારતના બંધારણના ઘડવૈયાઓમાંના એક અગ્રણી અને પ્રખર સમાજ સુધારક ડો. બી. આર. આંબેડકરની 125 ફૂટ (38 મીટર) ઉંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ તેલંગણ રાજ્યના પાટનગર હૈદ્રાબાદમાં તેમની જન્મ જયંતિ પ્રસંગે કરાશે.

11 એકરની વિશાળ જગ્યામાં પ્રસ્થાપિત કરવામાં આવી રહેલી આ પ્રતિમાનું અનાવરણ તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવ કરશે. આ પ્રસંગે ડો. આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરને અતિથિવિશેષ તરીકે આમંત્રિત કરાયા છે. લગભગ 40 હજાર લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે, અને પ્રતિમાનું અનાવરણ કરાયા પછી હેલિકોપ્ટરમાંથી તેના ઉપર પુષ્પવૃષ્ટિ કરાશે.

ડો. આંબેડકર વિદેશમાં – લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં – ડોક્ટરેટ ઓફ ઈકોનોમિક્સનો અભ્યાસ કરનારા સૌપ્રથમ ભારતીય હતા. તેમનું 1956માં 65 વર્ષની વયે નિધન થયું હતું. દલિતોના અધિકારોના પ્રખર હિમાયતીની આ પ્રતિમાનો પ્રોજેક્ટ 2016માં આરંભાયો હતો અને ભારતના ખ્યાતનામ શિલ્પી, 98 વર્ષના રામ સુતાર તેમજ તેમના પુત્ર અનિલ સુતારે આ પ્રતિમાની ડીઝાઈન તૈયાર કરી છે. આ સમગ્ર પ્રોજેક્ટનો કુલ ખર્ચ £3.9 મિલિયન (અંદાજે રૂપિયા 40 કરોડ) રહેશે. તેમાં પત્થર ઉપરાંત અંદાજે 155 ટન પોલાદ (સ્ટીલ) અને 110 ટન કાંસુ વપરાયું છે. રામ સુતાર ભારતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઉપરાંત પણ અનેક નેતાઓની પ્રતિમાઓના શિલ્પી તરીકે જાણીતા છે.

આ પ્રતિમાના પાયામાં 15 મીટરનું પેડસ્ટલ ભારતીય સંસદના આકારનું બનાવાયું છે, તેમાં ડો. આંબેડકરના જીવન અને કાર્યોને સમર્પિત લાયબ્રેરી તથા મ્યુઝિયમ તૈયાર કરાયા છે. હૈદ્રાબાદના નેતાઓનો દાવો છે કે આ પ્રતિમા પ્રવાસીઓ તથા ખાસ કરીને બુદ્ધના અનુયાયીઓ માટે એક વિશેષ આકર્ષણ બની રહેશે.

ડો. આંબેડકરની આ સિવાય પણ બીજી એક વિરાટ – 137 મીટર ઉંચી પ્રતિમા મુંબઈમાં પ્રસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ હાલ પ્રગતિમાં છે. તે વિશ્વની ત્રીજા ક્રમની સૌથી ઉંચી પ્રતિમા બની રહેશે. જો કે, તેમના કેટલાક સમર્થકોએ પ્રતિમાની આ ઘેલછાની ટીકા કરતાં કહ્યું હતું કે, તેના બદલે ડોકટરના કાર્યોની સ્મૃતિમાં એક લાયબ્રેરી બનાવાઈ હોત તો એ વધુ સારી શ્રદ્ધાંજલિ બની રહેતી.

વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા પડોશના ગુજરાત રાજ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલની છે, જે 2018માં ખુલ્લી મુકાઈ હતી. 182 મીટર ઉંચી આ પ્રતિમાનો વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમાનો દરજ્જો જો કે થોડા સમયમાં જ ઉત્તર પ્રદેશમાં ભગવાન રામની પ્રતિમાને મળી જશે, જે 221 મીટરની ઉંચાઈની રહેશે. તેના પછી બીજા ક્રમે મુંબઈના સમુદ્ર વચ્ચે આકાર લઈ રહેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા રહેશે, જે 212 મીટરના કદની હશે.

LEAVE A REPLY