જે છોકરીઓ શોર્ટ સ્કર્ટ પહેરે છે તેઓ ખુદ બળાત્કાર થાય તે માટે દોષિત છે અને તે તેમની ભૂલ છે તેમજ અયોગ્ય રીતે પોશાક પહેરવો એ કેટલાક પુરુષો માટે ‘ખુલ્લું આમંત્રણ’ છે એવું મહિલા સહકર્મી સમક્ષ સૂચન કરવા બદલ નોકરીમાંથી કાઢી મુકવામાં આવેલા સ્કાયના સેલ્સમેન રાજા મિન્હાસે £51,000નું પેઆઉટ જીત્યું હતું. જજે ચુકાદામાં જણાવ્યું હતું કે તેણે આ માટે પસ્તાવો વ્યક્ત કર્યો હતો.
બ્લેકબર્નમાં એક શોપિંગ સેન્ટરમાં બે વર્ષથી વધુ સમયથી સ્કાય સ્ટોલ પર કામ કરી રહેલા તેમ જ £100,000થી વધુ કમાણી કરનાર 44 વર્ષના સફળ સેલ્સ એડવાઇઝર રાજા મિન્હાસે બ્લેકબર્ન શોપિંગ મોલમાં કામ કરતી વખતે એક કિશોરીના ડ્રેસને જોયા પછી આ નિવેદન કર્યું હતું. જે બદલ તેમને ગ્રોસ મિસકન્ડક્ટ માટે બરતરફ કરવામાં આવ્યો હતો.
જજે ચુકાદામાં જણવ્યું હતું કે આ ટિપ્પણીઓ ખાનગી વાતચીતમાં કરવામાં આવી હતી નહિં કે તે બે છોકરીઓની સામે. લિવરપૂલમાં થયેલી સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું કે મિન્હાસે તપાસકર્તાઓને કહ્યું હતું કે ‘હું મીસ ક્લેમેટી સાથે કામ કરતો હતો ત્યારે પસાર થતી બે છોકરીઓને જોઇને નિવેદન કર્યું હતું. જેના જવાબમાં તેણીએ કહ્યું હતું કે ‘તે સાચું નથી, આમાં છોકરીઓની ભૂલ નથી, તેઓ જે રીતે પહેરવા માંગે છે તે પહેરી શકે છે, તે વ્યક્તિની પસંદગી છે, સારી હોય કે ખરાબ’. અન્ય સાથીદાર, ફરહાન કુદીરે આ વાતચીત સાંભળી તેના મેનેજરને જાણ કરી હતી.
મિન્હાસે માફી માંગવા છતાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આખરે ગેરવર્તણૂક માટે બરતરફ કરવામાં આવ્યા હતા.
ટ્રિબ્યુનલે તારણ કાઢ્યું હતું કે મિસ્ટર મિન્હાસને લોકોએ કેવું વર્તન કરવું જોઈએ તે અંગે ‘મજબૂત મંતવ્યો’ ધરાવતા હોવા છતાં તેમને બરતરફ ન કરવા જોઈએ કારણ કે તેમણે ‘ક્યારેય બળાત્કારને માફ કર્યો નથી’. સુનાવણીમાં તેણે સ્કાયને જૂની નોકરી પરત કરવા કહ્યું હતું પરંતુ તેની વિનંતી નકારી કાઢવામાં આવી હતી.