કોવિડ રોગચાળાના લોકડાઉન દરમિયાન લોકોને ફિટ રહેવા માટે પ્રેરણા આપવા બદલ મહારાણી દ્વારા સન્માનિત કરાયેલા અને સ્કીપીંગ શીખ તરીકે ઓળખાતા પેન્શનર રાજીન્દર સિંઘ હરઝાલને શુક્રવારે 2 જુલાઇના રોજ વિમ્બલ્ડનનાં સેન્ટર કોર્ટમાં રોયલ બોક્ષમાં મેચ જોવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તે સમયે રોયલ બોક્ષમાં ડચેસ ઑફ કેમ્બ્રિજ કેટ મિડલ્ટન સાથે તેઓ વાતો કરતા જોવા મળ્યા હતા. રાજીન્દર સિંહને જૂન મહિનામાં મહારાણીના જન્મદિવસની ઓનર્સ લીસ્ટમાં આરોગ્ય અને તંદુરસ્તીની સેવાઓ માટે એમબીઈ એનાયત કરાયો હતો.
વિમ્બલડનનાં પાંચમાં દિવસે આમંત્રિત કરાયેલા વેસ્ટ લંડનના હિલીંગ્ડન ખાતે રહેતા શ્રી સિંઘે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે “હું ખરેખર સન્માનિત છું કે મને ડ્યુક ઑફ કેન્ટ અને હર રોયલ હાઇનેસ કેટ મિડલટનને મળવાનો મોકો મળ્યો જેઓ આજે વિમ્બલડનમાં રોયલ બૉક્સમાં મારી સામે આગલી હરોળમાં બેઠા હતા. ડચેસ કેટે પાછળ જોયું હતું અને સ્મિત આપી લોકડાઉનમાં સક્રિય રહેવા માટે લોકોને મદદ કરવાના મારા પ્રયત્નો બદલ મને અભિનંદન આપ્યા હતા. મેં તેમનો આભાર માનતા જણાવ્યું હતું કે તે તમારા બધાના આશીર્વાદ છે, ભગવાન તમને અને તમારા પરિવારને આશીર્વાદ આપે, તમે મારા માટે દીકરીની જેમ છો અને મને તમારા કામ બદલ ગર્વ છે.”
શ્રી સિંહે કહ્યું હતું કે ‘’હું એન્ડી મરેનો મોટો ચાહક છું જેઓ શુક્રવારે સાંજે ત્રીજા રાઉન્ડમાં કેનેડાના ડેનિસ શાપોવાલોવ સામે હારી ગયા હતા. તે ખૂબ જ વિશિષ્ટ દિવસ રહ્યો હતો. મારી સાથે બેઠેલા મિસ્ટર મોટિવેટર અને ફિટનેસ કોચ જૉ વિક્સ જેવા અન્ય પ્રેરણાદાયી લોકો સાથે મુલાકાતનો લાભ મળ્યો હતો. હું ભગવાનનો આભારી છું કે હું દેશ માટે કંઈક કરી શકું. મેં અને મારી પુત્રી મીનરીત કૌરે મેચને સારી રીતે માણી હતી અને હું આ આશ્ચર્યજનક અનુભવને ક્યારેય ભૂલીશ નહીં.”
પ્રારંભિક લોકડાઉનમાં ગુરુદ્વારા બંધ હોવાને કારણે શીખ સમુદાયના કેટલાક સભ્યો એકલતા અનુભવતા હોવાથી ચિંતિત બનેલા 74 વર્ષના શ્રી સિંઘે વિડિયો બનાવ્યો હતો જે વાયરલ થયો હતો. કસરતના વિડિઓઝ સોશ્યલ મીડિયા પર હિટ થયા હતા અને તેમણે એનએચએસ ચેરિટીઝ માટે £14,000થી વધુ રકમ એકત્રિત કરવામાં મદદ કરી હતી. કસરતની લોકો પર હકારાત્મક અસર થઈ હતી.
તેમણે કહ્યું હતું કે “હું આશા રાખું છું કે હું લોકોને મદદ કરી શકું છું, તેમને સારું સ્વાસ્થ્ય આપી શકું છું અને તેમને ફીટ અને મજબૂત રાખવા માટે જ્ઞાન આપી શકું છું. હું આશા વ્યક્ત કરૂ છું કે તે અન્ય વૃદ્ધ લોકોને ફિટ થવા, દોરડા કુદવા કે કોઈ અન્ય કસરત માટે પ્રોત્સાહિત કરી શકે છે.’’