બોમ્બે હાઇકોર્ટના વિવાદાસ્પદ સ્કીન-ટુ-સ્કીન ચુકાદાને રદ કરતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે જાતિય હુમલાનું સૌથી વધુ મહત્ત્વનું પાસુ સ્કીન-ટુ-સ્કીન સંપર્ક નહીં, પરંતુ જાતિય ઇરાદો છે. બોમ્બે હાઇ કોર્ટે અગાઉ તેના ચુકાદામાં જણાવ્યું હતું કે આરોપી અને પીડિતા વચ્ચે ડાયરેક્ટ સ્કીન-ટુ-સ્કીન સંપર્ક ન થાય તો પોસ્કો ધારા હેઠળ જાતિય હુમલાનો ગુનો બનતો નથી. હાઇકોર્ટના આ ચુકાદાથી વિવાદ ઊભો થયો હતો.
જસ્ટિસ યુ યુ લલિતના વડપણ હેઠળની સુપ્રીમની ખંડપીઠે જણાવ્યું હતું કે જાતિય ઇરાદા સાથે શરીરના સેક્યુઅલ અંગનો સ્પર્શ કરવામાં આવે અથવા શારીરિક સંપર્કની હરકત કરવામાં આવે તો પોસ્કો ધારાની કલમ 7 હેઠળ જાતિય હુમલો ગણાય છે.
કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે જાતિયા હુમલાના ગુનાનું સૌથી મહત્ત્વનું પાસું બાળકી સાથે સ્કીન-ટુ-સ્કીન નહીં, પરંતુ જાતિય ઇરાદો છે. નિયમોનો તેની ભાવના સાથે અમલ કરવો જોઇએ. જોગવાઈના કોઇપણ સંકુચિત અર્થઘટનથી તેનો હેતુ માર્યો જાય છે, જે સ્વીકાર્ય નથી. વ્યાપક અર્થઘટન વગર કાયદાને હેતુને અસર આપી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે અગાઉ 27 જાન્યુઆરીએ હાઇ કોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. હાઇ કોર્ટે પાસ્કો ધારા હેઠળ એક વ્યક્તિને નિર્દોષ જાહેર કરતાં જણાવ્યું હતું કે સ્કીન-ટુ-સ્કીન સંપર્ક વગર સગીરાના સ્તનનો અનુભવ જાતિય હુમલો નથી. બાળકીના કપડા કાઢ્યા વગર તેનો સ્પર્શ કર્યો ન હતો, તેથી તેને જાતિય હુમલો ગણી શકાય નહીં. પરંતુ તે આઇપીસીની કલમ 354 હેઠળ મહિલાના વિનયશીલતાના ભંગનો ગુનો બને છે.