અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બારાક ઓબામા . (Photo by Michael M. Santiago/Getty Images)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા યાત્રા દરમિયાન ભારતમાં લઘુમતીઓના અધિકારો અંગેની ટીપ્પણી બદલ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા પર પ્રહાર કરતાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે ઓબામા વહીવટીતંત્રે  મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા છ દેશો પર બોમ્બમારો કર્યો હતો.

અમેરિકા અને ઇજિપ્તની વડાપ્રધાન મોદીની સત્તાવાર મુલાકાત અંગેની પ્રેસ કોન્ફરન્સમાં સિતારામને જણાવ્યું હતું કે જેના શાસનમાં મુસ્લિમ બહુમતી ધરાવતા છ દેશોમાં બોમ્બ ધડાકા કરવામાં આવ્યાં હતાં, તેવા ભૂતપૂર્વ પ્રેસિડન્ટની ટિપ્પણીઓ અને આક્ષેપો પર લોકો કેવી રીતે વિશ્વાસ કરી શકે? ઓબામાના શાસનમાં મુસ્લિમ દેશોમાં 26,000થી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. તાજેતરના એક મીડિયા ઇન્ટરવ્યુમાં ઓબામાએ કહ્યું હતું કે પ્રેસિડન્ટ જો બાઇડને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં બહુમતી હિન્દુ ભારતમાં મુસ્લિમ લઘુમતીના રક્ષણનો મુદ્દો ઉઠાવવો જોઇએ. જો લઘુમતી અધિકારોનું રક્ષણ કરવામાં નહીં આવે તો ભારત કોઈક સમયે અલગ પડી જશે.

સીતારામને જણાવ્યું હતું કે મને આઘાત લાગ્યો હતો કે યુ.એસ.ના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ભારતીય મુસ્લિમો વિશે બોલતા હતાં. ભારતના વિરોધ પક્ષો પણ ડેટા વિના બિન જરૂરી મુદ્દાઓ ઉભા કરવા માટે આવી ટીપ્પણીનો ઉપયોગ કરી રહ્યાં છે. યુએસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીએમએ કહ્યું હતું કે કેવી રીતે તેમની સરકાર ‘સબકા સાથ, સબકા વિકાસ’ સિદ્ધાંત પર કામ કરે છે અને કોઈપણ સમુદાય સાથે ભેદભાવ કરતી નથી. પરંતુ હકીકત એ છે કે લોકો આ આવી ચર્ચામાં જોડાય છે અને એવા મુદ્દાઓને હાઇલાઇટ કરે છે જે કોઇ મુદ્દો જ નથી. મને લાગે છે કે દેશના વાતાવરણને બગાડવાનો આ ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે.

સીતારમણે ઉલ્લેખ કર્યો હતો કે ઇજિપ્તે પીએમ મોદીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’થી સન્માન કર્યું છે. પીએમને વિવિધ દેશો દ્વારા આ પ્રકારનું 13મું સન્માન આપવામાં આવ્યું હતું. આમાંથી છ દેશોમાં મુસ્લિમો બહુમતીમાં છે.

LEAVE A REPLY