મિસિસીપીની ટેટ કાઉન્ટીમાં થયેલા શ્રેણીબદ્ધ શૂટઆઉટમાં છ લોકોનાં મોત નીપજ્યા હતા. શેરીફ બ્રાડ લેન્સે જણાવ્યું હતું કે, આર્કાબુત્લા વિસ્તારમાં અર્કાબુત્લા રોડ ઉપર આવેલા સ્ટોરમાં અને સ્ટોરની બહાર તેમજ અર્કાબુત્લા ડેમ રોડ ઉપર આવેલા મકાનમાં શકમંદ હુમલાખોરે કરેલા ગોળીબારમાં એક મહિલા સહિત છનાં મોત નીપજ્યા હતા.
શકમંદની ઓળખ અપાઇ નહોતી. તેને વાહન સાથે પકડ્યા બાદ સ્ટોર અને ઘરની તપાસમાં છ મૃતદેહો મળી આવ્યા હતા. મિસિસીપીના ગવર્નર ટેટ રીવ્સે તેમની ટ્વીટમાં જણાવ્યું હતું કે, હુમલા માટે જવાબદાર શકમંદની ધરપકડ કરાઇ છે. હુમલાખોરનો ઇરાદો સ્પષ્ટ નહોતો. બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન તપાસ કરી રહ્યું છે.