ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રિકાનો પ્રવાસ કોરોના વાઈરસના નવા વેરીઅન્ટ ઓમિક્રોનના જોખમના પગલે એક સપ્તાહ જેટલો સમય પાછો ઠેલાયો છે અને ટુંકાવાયો પણ છે. મૂળભૂત કાર્યક્રમ મુજબ ભારતીય ટીમ 17 ડીસેમ્બરે પહેલી ટેસ્ટ મેચ સાથે સીરીઝ શરૂ કરવાની હતી તે હવે 26 ડીસેમ્બરથી શરૂ થશે. આ ઉપરાંત, આ પ્રવાસમાં ચાર ટી-20 મેચ રમાવાની હતી, તે હવે મૂલતવી રાખવામાં આવી છે, એ પછી ક્યારેક રમાશે.
ક્રિકેટ સાઉથ આફ્રિકા અને ભારતીય ક્રિકેટ બોર્ડે બહાલી આપ્યા મુજબના નવા કાર્યક્રમમાં પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયન ખાતે 26 ડીસેમ્બર, બીજી ટેસ્ટ જોહાનિસ્બર્ગ ખાતે 3 જાન્યુઆરી તથા ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ 11 અથવા 12 જાન્યુઆરીએ કેપ ટાઉન ખાતે રમાશે. એ પછી ત્રણ વન-ડે 11, 14 અને 16 જાન્યુઆરીએ રમાશે.
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે ભારતીય ટીમ સામેની શ્રેણી બબલ સેફટીના અત્યંત કડક નિયમો હેઠળ રમાશે. તમામ ખેલાડીઓ, સ્ટાફ તથા અધિકારીઓની સલામતીની ખાતરી સાથેના આ વિશ્વ કક્ષાના ધોરણો ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ઘડ્યા છે.
યુરોપિયન યુનિયનના સભ્ય દેશો સહિતના અનેક રાષ્ટ્રોએ સાઉથ આફ્રિકામાં કોરોના વાઈરસના નવા વેરીઅન્ટ – ઓમિક્રોને દેખા દિધા પછી સાઉથ આફ્રિકા સહિતના આઠ જેટલા આફ્રિકન દેશોમાં અવરજવર ઉપર નિયંત્રણો ફરમાવ્યા પછી નેધરલેન્ડ્ઝની ટીમ તાજેતરમાં જ સાઉથ આફ્રિકાનો પ્રવાસ અધવચ્ચેથી પડતો મુકી સ્વદેશ પાછી ફરી હતી. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ પોતાની ઘરઆંગણાની ચાર દિવસની ડિવિઝન – ટુની ચોથા રાઉન્ડની પણ કેટલીયે મેચ કેટલાક ક્રિકેટર્સ કોરોના પોઝિટિવ જણાયા પછી પાછી ઠેલી છે. જો કે, સાઉથ આફ્રિકાના પ્રવાસે પહોંચી ગયેલી ભારતની એ ટીમ બાકીની મેચ રમવા ત્યાં રોકાઈ છે અને પ્રવાસ પુરો કરશે.