સીડની ટેસ્ટમાં ભારતીય ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સામે પ્રેક્ષકો દ્વારા રેસિસ્ટ કોમેન્ટ સતત બે દિવસ કરાતાં હોબાળો થયો હતો. મેચના ત્રીજા અને ચોથા દિવસે ભારતીય ખેલાડીઓને કોમેન્ટ્સના નિશાન બનાવાયા હતા.
ચોથા દિવસે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ ભરી રહેલા ફાસ્ટ બોલર મહોમ્મદ સિરાજ પર કેટલાક પ્રેક્ષકોએ કોમેન્ટ્સ ચાલુ રાખતા સિરાજે અમ્પાયરને ફરિયાદ કરી હતી. ગણતરીની મિનિટોમાં પોલીસ મેદાનમાં પહોંચી હતી અને 6 પ્રેક્ષકોને સ્ટેડિયમમાંથી કાઢી મુકાયા હતા. આ તબક્કે મેચમાં 10 મિનિટ રમત અટકાવી દેવી પડી હતી. આ પ્રેક્ષકોની પોલીસે પૂછપરછ પણ શરુ કરી છે.
આ ઘટના માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમની માફી માંગી છે અને સાથે સાથે વાયદો કર્યો છે કે, આ મામલામાં જવાબદાર લોકો સામે ઝડપથી કાર્યવાહી કરાશે. તપાસ પૂરી થયા બાદ દોષિતો પર ગ્રાઉન્ડમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ પણ આવી શકે છે. અમે ભારતીય ક્રિકેટ ટીમના મિત્રોની માફી માંગીએ છે.
મેચના બીજા દિવસે એટલે કે શનિવારે પણ દર્શકો ગંદી ગાળો સાથે રેસિસ્ટ કોમેન્ટ કરતા હોવાની ફરિયાદ બુમરાહ અને સિરાજે કરી હતી. તેના પગલે ભારતીય ટીમ મેનેજમેન્ટે રેફરી સમક્ષ ફરિયાદ પણ નોંધાવી હતી. મેચના ત્રીજા દિવસે પણ સ્ટેન્ડમાં હાજર નશામાં ધૂત પ્રેક્ષકે જસપ્રીત બૂમરાહ અને મોહમ્મદ સિરાજને ‘મંકી’ કહ્યા હતાં.