બે મહિના પહેલા છરીથી થયેલા હુમલામાં સર સલમાન રશ્દીએ એક આંખની દૃષ્ટિ ગુમાવી છે અને તેમનો એક હાથ કામ કરતો બંધ થયો છે, એવી તેમના એજન્ટે માહિતી આપી હતી. નવલકથા ધ સેતાનિક વર્સીસ માટે 1980ના દાયકાથી મોત ધમકીઓનો સામનો કરી રહેલા આ પ્રસિદ્ધ લેખક ન્યૂયોર્ક રાજ્યમાં લિટરરી ફેસ્ટિવલમાં આર્ટિસ્ટિક સ્વતંત્રતા અંગે પ્રવચન આપવા માટે સ્ટેજ પર આવી રહ્યા હતા, ત્યારે તેમને ગરદન અને ધડમાં ઘણી વખત છરા મારવામાં આવ્યા હતા.
સિક્યોરિટી ગાર્ડ્સ અને દર્શકોએ હુમલાખોરને અંકુશમાં લીધો હતો, પરંતુ 75 વર્ષના રશ્દીનો જીવ બચાવવા માટે સર્જરી કરવામાં આવી હતી. તેમની ઇજા કેટલી ગંભીર હતી તે અંગે અત્યાર સુધી રહસ્ય હતું.
સ્પેનના અલ પૈસ અખબાર સાથેના એક ઇન્ટરવ્યુમાં રશ્દીના એજન્ટ એન્ડ્રુ વાયલીએ પુષ્ટિ કરી હતી કે 12 ઓગસ્ટના હુમલામાં લેખકને “ગંભીર” ઇજાઓ થઈ હતી. તેમણે એક આંખની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. તેમની ગરદનમાં ત્રણ ગંભીર ઘા હતા. એક હાથ કામ કરવા અસમર્થ બન્યો છે, કારણ કે તેમના હાથની ચેતાનસ કપાઈ ગઈ હતી. તેમની તેની છાતી અને ધડમાં વધુ 15 ઘા છે.
1988માં ધ સેતાનિક વર્સીસના પ્રકાશન પછી રશ્દીએ આશરે એક દાયકો છુપાઈને કાઢ્યો હતો. આ નોવેલને મુસ્લિમ નેતાઓએ નિંદાત્મક જાહેર કરી હતી અને ઘણા ઇસ્લામિક દેશોમાં હિંસક વિરોધ થયો હતો. 1989માં ઈરાનના આયાતુલ્લા ખોમેનીએ હત્યા કરવાનો આદેશ આપતા ફતવો બહાર પાડ્યો હતો. ફતવો યથાવત હોવા છતાં ભારતમાં જન્મેલા તથા બ્રિટિશ અને અમેરિકન નાગરિકત્વ ધરાવતા રશ્દી તાજેતરના વર્ષોમાં જાહેર જીવનમાં ફરી દેખાવા લાગ્યા હતા.પોલીસે આ હુમલાના મુખ્ય આરોપી હદી માતરની ધરપકડ કરી છે. તે હાલમાં જેલમાં છે. કેલિફોર્નિયામાં જન્મેલો 24 વર્ષનો માતર મૂળ લેબનનો છે.
ઈરાને તાજેતરના વર્ષોમાં ખોમેનીના ફતવાથી પોતાને દૂર કર્યું હતું, પરંતુ 2012માં ઈરાની ધાર્મિક ફાઉન્ડેશને રશ્દીના માથા પરના ઇનામને વધારીને $3 મિલિયનથી વધુ કર્યું હતું. હુમલા પછી ઇરાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે રશ્દી “અને તેના સમર્થકો આ હુમલા માટે જવાબદાર છે.”