યુકે સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વેલેન્સે સોમવારે કહ્યું દેશમાં કોરોના વાઈરસના રોગચાળાના પગલે જાહેર કરાયેલા લોકડાઉનનો અંત ક્યારે આવશે, તે વિષે સરકાર લોકોને કઈં કહી શકે તેમ નથી, કારણ કે સરકારને જ તે વિષે કોઈ અંદાજ નથી. ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે રોજીંદી પ્રેસ કોન્ફરન્સમાં બોલતા સર વેલેન્સે કહ્યું હતું કે, કોરોના વાઈરસ સામેના જંગમાં હવે પછીના સરકારના પગલાં ક્યા હશે અને તે ક્યારે લેવાશે તે કહેવું હાલમાં કવેળાનું બની રહે.
પહેલી પ્રાથમિકતા એ છે કે, સૌપ્રથમ તો રોજે રોજ આવતા નવા કેસ અને મૃત્યુના કિસ્સાઓમાં થતો વધારો અટકવો જોઈએ, તેના પ્રવાહમાં સ્થિરતા આવવી જોઈએ.હાલની સ્થિતિ ક્યાં સુધી આમ જ ચાલશે, તે કહેવું હાલમાં વહેલું ગણાશે, એવું પોતે માનતા હોવાનું ચીફ સાયન્ટીફિક એડવાઈઝરે કહ્યું હતું. તેમણે સાથે સાથે એવી ચેતવણી પણ આપી હતી કે, હોસ્પિટલ્સમાં નવા કેસ દાખલ થવાની સંખ્યામાં વધુ ત્રણ સપ્તાહ માટે વધારો થઈ શકે છે, એ પછી જ સંખ્યા નીચી જશે.