ટાટા ગ્રૂપની કંપની ટાટા મોટર્સે જણાવ્યું હતું કે તેનો પશ્ચિમ બંગાળ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (WBIDC) તરફથી ₹766 કરોડના આર્બિટ્રેશન કેસમાં વિજય થયો છે. આનો અર્થ એવો થાય છે કે ટાટા મોટર્સ પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી આટલી રકમનું વળતર માગી શકશે. અહીં ઉલ્લેખનીય છે કે ટાટા મોટર્સે ભારતની સૌથી સસ્તી કાર નેનોનું ઉત્પાદન કરવા પશ્ચિમ બંગાળના સિંગુરમાં પ્લાન્ટ નાંખવાની સમજૂતી કરી હતી. જોકે મમતા બેનર્જીને વડપણ હેઠળના તૃણમૂલ કોંગ્રેસના ભારે વિરોધને કારણે કંપનીએ આ પ્લાન્ટને ગુજરાતમાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો.
ટાટા મોટર્સ પશ્ચિમ બંગાળમાં સિંગુર ખાતે પ્લાન્ટ સ્થાપી રહી હતી ત્યારે ત્યાં હિંસક આંદોલન થયું હતું. આ વિવાદમાં ટાટા મોટર્સને જે નુકસાન થયું તે પેટે હવે પશ્ચિમ બંગાળ સરકારે ટાટા મોટર્સને રૂ.766 કરોડ વત્તા 2016 પછીનું વાર્ષિક 11 ટકા વ્યાજ ચુકવવું પડશે. આંદોલનના કારણે ટાટાએ સિંગુર છોડવું પડ્યું તે પહેલા કંપનીએ ત્યાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું. 2007માં સિંગુરમાં ફેક્ટરીનું ઉત્પાદન થયું અને 2008માં તેને બંધ કરવી પડી હતી.
સિંગુર ખાતે જમીન અધિગ્રહણ બાબતે વિવાદ થયો હતો જેની આગેવાની મમતા બેનરજીએ લીધી હતી. બંગાળમાં તે સમયે ડાબેરીઓની સરકાર હતી અને તૃણમુલ કોંગ્રેસના મમતા બેનરજી ટાટાના પ્લાન્ટના એક લડાયક વિરોધી તરીકે ઉભરી આવ્યા હતા. હવે તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન છે.
તે સમયે રતન ટાટા ઈચ્છતા ન હતા કે તેમના કર્મચારીઓ માટે કોઈ જોખમ સર્જાય. તેથી તેમણે સિંગુરના બદલે બીજી કોઈ જગ્યાએ પ્લાન્ટ ખસેડવાનો વિચાર શરૂ કર્યો હતો. આ દરમિયાન ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ રતન ટાટાને ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા આમંત્રણ આપ્યું હતું. થોડા જ દિવસોમાં ટાટાનો પ્લાન્ટ સાણંદ ખાતે શિફ્ટ કરવામાં આવ્યો હતો.