રોક ‘એન’ રોલ લિજેન્ડ એલ્વિસ પ્રેસ્લીની એકમાત્ર પુત્રી અને મ્યુઝિસિયન લિસા મેરી પ્રેસ્લીનું ગુરુવારે લોસ એન્જલસ-એરિયાની હોસ્પિટલમાં અવસાન થયું હતું. લિસા મેરી પ્રેસ્લી 54 વર્ષના હતા.
તેમની માતા પ્રિસિલા પ્રેસ્લીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ભારે હૃદય સાથે છે કે હું દુખદ સમાચાર આપું છું કે મારી સુંદર પુત્રી લિસા મેરી અમને છોડી ગઈ છે.”
મનોરંજન વેબસાઇટ TMZ જણાવ્યા અનુસાર લિસા મેરી પ્રેસ્લીને લોસ એન્જલસના કેલાબાસાસ સબર્બમાં તેમના ઘરમાં હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને ગુરુવારે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
લિસા બે દિવસ પહેલા તો પોતાના માતા પ્રિસિલા પ્રેસલી સાથે ગોલ્ડન ગ્લોબ અવોર્ડ સેરેમનીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેમણે અવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી. ગુરુવારના રોજ તે કેલિફોર્નિયા સ્થિત પોતાના ઘરમાં હતા જ્યારે હૃદયરોગનો હુમલો થયો. તેમને સીપીઆર આપવામાં આવ્યું અને તરત હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા.
તેમનો જન્મ 1968માં થયો હતો અને તે મેમ્ફિસમાં તેના પિતાની ગ્રેસલેન્ડ હવેલીની માલિક હતી, જે એક લોકપ્રિય પ્રવાસી આકર્ષણ છે. એલ્વિસ 1977માં ગ્રેસલેન્ડ ખાતે મૃત્યુ પામ્યા ત્યારે તેણી નવ વર્ષની હતી.
સંગીત કારકિર્દી 2003ના પ્રથમ આલ્બમ “ટુ હુમ ઇટ મે કન્સર્ન”થી શરૂ થઈ હતી. તે પછી 2005નું “નાઉ વોટ” આવ્યું અને બંને બિલબોર્ડ 200 આલ્બમ ચાર્ટમાં ટોચના 10માં સ્થાન મેળવ્યું હતું. ત્રીજું આલ્બમ, “સ્ટોર્મ એન્ડ ગ્રેસ” 2012માં રિલીઝ થયું હતું.
લિસા મેરી પ્રેસ્લીનું ચાર વખત લગ્ન કર્યા હતા. પહેલા પતિ, સંગીતકાર ડેની કેફથી છૂટાછેડા લીધાના માત્ર 20 દિવસ પછી પછી તેમણે 1994માં પોપ સ્ટાર માઈકલ જેક્સન સાથે લગ્ન કર્યા હતા. પ્રેસ્લીએ 2002માં અભિનેતા નિકોલસ કેજ સાથે લગ્ન કર્યા હતા અને ચાર મહિના પછી છૂટાછેડા માટે અરજી કરી હતી.
તેમના ચોથા લગ્ન તેના ગિટારવાદક અને સંગીત નિર્માતા માઈકલ લોકવુડ સાથે થયા હતા. તેમના છૂટાછેડા 2021માં ફાઇનલ થયા હતા.