ફેક ફોલોઅર્સ અને લાઈક મેળવવા સાથે જોડાયેલા ચોંકાવનારા સોશિયલ મીડિયા રેકેટનાસંબંધમાં મુંબઈ પોલીસે પોતાની તપાસ ચાલુ રાખતા રૈપર આદિત્ય પ્રતિક સિંહ સિસોદિયા ઉર્ફે બાદશાહ સહિત ઓછામાં આછા 20 સેલેબ્રિટિની તપાસ કરી છે. આ મામલે બાદશાહની મુંબઈ પોલીસે સતત ત્રીજા દિવસે શનિવારે પણ પાંચ કલાકથી વધુ લાંબી પૂછપરછ કરી હતી.અધિકારીએ દાવો કર્યો કે પૂછપરછ દરમિયાન બાદશાહે કબૂલ કર્યું કે તેણે રૂપિયા 72 લાખ આપીને પોતાના સોન્ગ ‘પાગલ હૈ’ માટે 7.2 કરોડ વ્યૂ ‘ખરીદ્યા’ હતા.
આ સોન્ગે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. રૈપરે પાછલા વર્ષે દાવો કર્યો હતો કે તેણે પોતાનું સોન્ગ ‘પાગલ હૈ’ રિલીઝ કર્યાના 24 કલાકની અંદર જ 75 મિલિયન વ્યૂ મેળવ્યા હતા. જોકે ગૂગલ અને યુ-ટ્યુબની માલિકીની આલ્ફાબેટ કંપનીએ તે દાવાને નકારી દીધો હતો.ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું કે, તેમણે બાદશાહને 250થી વધારે પ્રશ્નો પૂછ્યા હતા. સિંગરે કબૂલ કર્યું હતું કે, તેણે સોશિયલ મીડિયા વ્યૂ વધારવા માટે કંપનીને 72 લાખ રૂપિયા ઉપરાંત 18 ટકા સર્વિસ ટેક્સ ચૂકવ્યો હતો.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નંદકુમાર ઠાકુરે કહ્યું, ‘સિંગરે કબૂલ્યું છે કે તે યુ-ટ્યુબમાં 24 કલાકમાં સૌથી વધારે વ્યૂ મેળવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવા ઈચ્છતો હતો. આ માટે તેણે કંપનીને 72 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.’ અધિકારીએ મીડિયાને જણાવ્યુ હતું કે, ‘પાગલ હૈ’ ઉપરાંત સોશિયલ મીડિયા પર સિંગરના અન્ય સોન્ગ્સની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.15 જુલાઈએ ફેક સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સ, ફોલોઅર્સ વેચવાનું, વ્યૂ અને લાઈક્સ વધારવાનું ઈન્ટરનેશનલ કૌભાંડ સામે આવ્યું હતું.
આ મામલે મુંબઈ પોલીસના API સચિન વાઝેની આગેવાનીમાં ટીમ બનાવીને તપાસ શરૂ કરાઈ હતી. જેમાં સોશિયલ મીડિયા માર્કેટિંગ કંપની સાથે જોડાયેલા 20થી વધુ સેલેબ્રિટીના નિવેદનો લેવામાં આવ્યા છે.સિંગર ભૂમિ ત્રિવેદીએ પોતાના નામથી ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તથા ફોટોનો ઉપયોગ કોઈ કૌભાંડમાં કરાતો હોવાની ફરિયાદ 11 જુલાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જે બાદ આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસે અભિષેક દાવાડે નામના યુવકની ઓનલાઈન એક્ટિવિટી ટ્રેક કરીને ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા. બીજી તરફ બાદશાહે પોતાના તરફ લાગેલા તમામ આરોપોનો ઈનકાર કર્યો હતો. સાથે જ પોલીસની તપાસ પર પોતાનો સંપૂર્ણ વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું.