સિંગાપોરના ભારતીય મૂળના વિરોધ પક્ષના નેતા પ્રીતમ સિંહ પર મંગળવારે સંસદીય સમિતિ સમક્ષ શપથ હેઠળ ખોટું બોલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વર્કર્સ પાર્ટી (WP)ના સેક્રેટરી-જનરલ સિંહ પર ભૂતપૂર્વ સંસદ સભ્ય રાયસા ખાનના કેસમાં વિશેષાધિકાર સમિતિની સુનાવણીમાં ખોટી જુબાની આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
જો તેઓ દોષિત ઠરશે તો ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે અથવા ચાર્જ દીઠ 7,000 સિંગાપોર ડોલરનો દંડ થઈ શકે છે. તેમણે વકીલ રાખવા માટે સુનાવણી ચાર સપ્તાહ સુધી મુલતવી રાખવાની વિનંતી કરી હતી. ચાર્જશીટ મુજબ પ્રીતમ સિંહે 10 ડિસેમ્બર, 2021ના રોજ ખોટી જુબાની આપી હતી. 8 ઓગસ્ટ, 2021ના રોજ સાથી WP સભ્યો ખાન, સિલ્વિયા લિમ અને ફૈઝલ મનપ સાથેની બેઠક પછી તેમણે આ ખોટી જુબાની આપી હતી. દરમિયાન શાસક પીપલ્સ એક્શન પાર્ટી (PAP) પ્રીતમ સિંહને સંસદમાંથી સસ્પેન્ડ કરવાની માગણી નહીં કરે. પાર્ટીએ જણાવ્યું હબતું કે સુનાવણીના નિષ્કર્ષ પહેલા સંસદે આવો નિર્ણય કરવો જોઇએ નહીં.