વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સિંગાપોરના સમકક્ષ લોરેન્સ વોંગ,(PTI Photo)

સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગ સાથેની બેઠક દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે સિંગાપોર વિકાસશીલ દેશો માટેનો એક મોડલ દેશ છે અને ભારત દેશમાં ઘણા સિંગાપોરનું સર્જન કરવા માંગે છે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં વધારો કરવાના માર્ગોની પણ ચર્ચાવિચારણા કરાઈ હતી. પીએમ મોદી વોંગના આમંત્રણ પર મોદી બુધવારે સિંગાપોરની મુલાકાતે પહોંચ્યાં હતાં.

સિંગાપોરના સમકક્ષ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટોમાં મોદીએ જણાવ્યું હતું કે સિંગાપોર માત્ર ભાગીદાર દેશ નથી, પરંતુ દરેક વિકાસશીલ દેશ માટે પ્રેરણાસ્રોત છે. અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ. મને આનંદ છે કે અમે તે દિશામાં સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમારી વચ્ચે રચાયેલી પ્રધાન સ્તરીય રાઉન્ડટેબલ એક પાથ બ્રેકિંગ મિકેનિઝમ છે. કૌશલ્ય, ડિજિટાઈઝેશન, મોબિલિટી, સેમિકન્ડક્ટર, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, એઆઈ, હેલ્થકેર, સસ્ટેનેબિલિટી સાયબર સિક્યુરિટી સહિતના ક્ષેત્રોમાં સહકારના નવી પહેલના પ્રતીકો બની ગયા છે”

વડાપ્રધાન મોદી અને સિંગાપોરના વડાપ્રધાન વોંગની હાજરીમાં ભારત અને સિંગાપોર વચ્ચે ડિજિટલ ટેક્નોલોજી, આરોગ્ય અને દવા, શૈક્ષણિક સહકાર અને કૌશલ્ય વિકાસ અને ભારત-સિંગાપોર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પાર્ટનરશિપના ક્ષેત્રોમાં અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં.મંત્રણા પહેલા પીએમ મોદીનું સિંગાપોર સંસદ ભવનમાં ઔપચારિક સ્વાગત કરાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સિંગાપોરમાં ટોચના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરી હતી અને તેમને રોકાણ અને ઇનોવેશનને આકર્ષવા માટે ભારતમાં હાલમાં ચાલી રહેલા વિવિધ સુધારાઓ વિશે માહિતી આપી હતી.

 

LEAVE A REPLY